રાહુલને ટીમમાં સમાવવો જરૂરીઃ હાર બાદ ગાંગુલીની સલાહ

મુંબઈ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-૨૦ અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમના પસંદગીકારોને સલાહ આપી છે. ગાંગુલીએ સિલેક્ટર્સને કે. એલ. રાહુલને પણ ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. ગાંગુલીએ કહ્યું કે કે. એલ. રાહુલને ટીમની બહાર રાખવો યોગ્ય ગણાશે નહીં. રાહુલને જો આગામી સિરીઝમાં તક આપવામાં નહીં આવે તો તે ટીમ મેનેજમેન્ટની મોટી ભૂલ હશે.

ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-૨૦ સિરીઝ અને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે આજે ટીમની પસંદગી થવાની છે. પહેલી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને છ વિકેટે હરાવી દીધું હતું. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે રાહુલે સતત દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા કે પછી વેસ્ટ ઈન્ડીઝમાં પણ રાહુલનું પ્રદર્શન ઊડીને આંખે વળગે તેવું રહ્યું છે. જેટલું જલદી બને તેટલું રાહુલનું પુનરાગમન કરાવવું જોઈએ, કેમ કે તેનાં રેકોર્ડ અને ગુણવત્તા શાનદાર રહ્યાં છે.

આ વખતે ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝમાં કે. એલ. રાહુલના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સમાવવા આવ્યો છે. રાહુલ ઓપનર હોવાથી તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકતો નથી. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ મેનેજમેન્ટે તેમને ચોથા નંબર પર બેટિંગમાં મોકો આપ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. આ સ્થિતિમાં સિલેક્ટર્સે કાર્તિક પર પસંદગી ઉતારી હતી. સિરીઝ પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે કે. એલ. રાહુલ મોટા ભાગે ઈનિંગ્સની શરૂઆત કરે છે અને અમે ઈચ્છતા નથી કે જે રીતે રહાણેને મજબૂરીમાં ‌િમડલ ઓર્ડરમાં રમવું પડ્યું તેવી સ્થિતિ રાહુલ સાથે પણ સર્જાઈ. ટીમ હંમેશાં સારા સંતુલનથી જ જીતી હોય છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત ત્રણ ટી-૨૦ મેચ નવી દિલ્હી (૧ નવેમ્બર), રાજકોટ (૪ નવેમ્બર) અને તિરુવનંતપુરમ (૭ નવેમ્બર) ખાતે રમશે. બીજી તરફ શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ આગામી ૧૬ નવેમ્બરથી શરૂ થશે.

You might also like