જ્યારે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલે એકબીજાની જરસી પહેરી…

મુંબઈઃ આઇપીએલની ૫૦મી મેચમાં એ સમયે સ્પોર્ટ્સમેન સ્પિરિટનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું, જ્યારે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે એકબીજાની જરસી પહેરી લીધી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી મેચમાં પરાજય બાદ કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની આશા હજુ જીવિત છે. પોઇન્ટ ટેબલમાં મુંબઈની ટીમ ચોથા સ્થાન પર આવી ગઈ છે.

પંજાબ તરફથી ૯૪ રનની શાનદાર ઇનિંગ્સ રમનારા લોકેશ રાહુલ અને મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ ટી-શર્ટ એક્સચેન્જ કરીને રમતની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ દરમિયાન સૌથી દિલચસ્પ વાત એ રહી કે દૂબળા-પાતળા હાર્દિકને તો રાહુલનું ટી-શર્ટ થઈ ગયું, પરંતુ રાહુલને હાર્દિકનું ટી-શર્ટ પહેરવામાં ઘણી મુશ્કેલી પડી. ખુદ હાર્દિક પંડ્યાએ રાહુલને ટી-શર્ટ પહેરવામાં મદદ કરી.

આ અંગે લોકેશ રાહુલે કહ્યું, ”આવું ફૂટબોલની રમતમાં હંમેશાં જોવા મળે છે. અમે (હાર્દિક) સારા મિત્ર છીએ અને મને જરસી એકઠી કરવી પસંદ છે, જોકે આ અંગે અમે પહેલાં વાત નહોતી કરી. આ બધું અચાનક જ થઈ ગયું. મેચ પૂરી થયા બાદ અમે મળ્યા તો હાર્દિકે મારી પાસે ટી-શર્ટ માગ્યું તો મને સારું લાગ્યું.”

આવું ૨૦૧૪ની આઇપીએલમાં પણ જોવા મળ્યું હતું, જ્યારે ટૂર્નામેન્ટના ખિતાબી મુકાબલામાં શાહરુખ ખાનની ટીમ કોલકાતાના નાઇટ રાઇડર્સે બહુ જ રોમાંચક મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. પોતાની ટીમની બીજી ખિતાબી જીત પર કેકેઆરના માલિક શાહરુખે પંજાબની જરસી પહેરીને જશ્ન મનાવ્યો હતો.

You might also like