અમે બાઉન્સરથી નહીં ડરીએઃ રાહુલ

કટકઃ કોહલી એન્ડ કંપનીને શોર્ટ બોલ અને બાઉન્સરથી ઘેરવાની ઈંગ્લિશ ટીમની રણનીતિ પર ભારતીય બેટ્સમેન કે. એલ. રાહુલે કહ્યું કે તેઓ ભારતીય કેપ્ટન અને અન્ય બેટ્સમેનો માટે ચિંતાની વાત નથી. રાહુલે કહ્યું કે અમને શોર્ટ બોલ પર રન બનાવવાની મજા આવે છે. જ્યાં સુધી વિરાટની વાત છે તો તેની સદીઓ જોશો તો જણાઈ આવશે કે તેણે શોર્ટ બોલિંગમાં કેટલા રન બનાવ્યા છે.

કોહલીની પ્રશંસા કરતાં રાહુલે કહ્યું, ”તે અમારા માટે ઉદાહરણ પૂરું પાડે છે. તેણે ઘણી વાર ભારત માટે જીત હાંસલ કરી છે. અમે તેને જોઈએ છીએ કે તે કઈ રીતે ઇનિંગ્સ બનાવે છે. તે મેદાનમાં જે રીતની ઊર્જા અને ઉત્સાહ દેખાડે છે, તેનાથી અમે શીખીએ છીએ. વિરાટ એ લોકોમાંનો એક છે, જે પોતાના પ્રદર્શનને નથી જોતો, બલકે ટીમને સાથે લઈને ચાલે છે. તે અમને ફીડબેક અને સલાહ આપીને હંમેશાં રસ્તો દેખાડે છે. તેને લાગે છે કે અમે તેનાથી વધુ સારું કરીએ શકીએ છીએ અને આ એક નેતૃત્વકર્તાની સૌથી મોટી ક્વોલિટી છે.”

મહેન્દ્રસિંહ ધોનીના કેપ્ટનશિપ છોડવાના અને વિરાટના નેતૃત્વ સંભાળવાના સવાલ અંગે રાહુલે કહ્યું, ”એ સારી વાત છે કે બંને ટીમમાં છે. વિરાટે એક કેપ્ટન તરીકે પહેલી વન ડે રમી છે, પરંતુ ટેસ્ટમાં આપણે જોયું છે કે તે કેટલો આક્રમક કેપ્ટન છે. અમને વિરાટના નેતૃત્વમાં રમવાનું પસંદ છે. તે હંમેશાં મારું સમર્થન કરતો રહે છે. ટીમમાં હાજર ધોની ફક્ત વિરાટને જ નહીં, અન્ય યુવાઓને પણ સલાહ આપશે, જેનો ફાયદો બધાંને થશે.”

ઓપનિંગમાં અજિંક્ય રહાણે સાથે હરીફાઈના સવાલના જવાબમાં રાહુલે જણાવ્યું, ”અજિંક્ય પ્રેરણા આપતો રહે છે. અમે જાણીએ છીએ કે અન્ય પ્રતિભાશાળી લોકો ટીમમાં છે. જ્યારે હું સવારે ઊઠું છું ત્યારે વધુ સારું કરવા માટે સખત મહેનત કરું છું. અમે દરેક વસ્તુ સકારાત્મક રીતે લઈએ છીએ.”
http://sambhaavnews.com/

You might also like