પતંગ પકડવા દોડી રહેલા યુવકોનું ટ્રેનની અડફેટે આવતાં મોત

અમદાવાદ: ગઇ કાલે મણિનગર ગોરના કૂવાના માર્ગ પાસે આવેલી ખારીકટ કેનાલ નજીક રેલવે ટ્રેક ઉપર પંતગ પકડવા માટે એક યુવક દોડી રહ્યો હતો. તે સમયે પૂરઝડપે એક ટ્રેન પસાર થઇ રહી હતી ટ્રેન આવી રહી છે તેવી બૂમો પાડીને એક યુવક તેને બચાવવા માટે ગયો. જોકે પંતગ પકડવા માટે ગયેલા યુવક અને બચાવવા માટે દોડી ગયેલ યુવક બન્ને જણા ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

આ ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ત્યારે અન્ય એક યુવકને સારવાર માટે વીએસ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં તે ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ ઇસનપુર પોલીસ સ્ટેશનની હદ હોવાના કારણે તેમને કોઇ પણ પ્રકારની તપાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ઇસનપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને રેલવેની હદ આવે છે તેવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનામાં યુવકની લાશ પાંચ કલાક સુધી ઘટના સ્થળે પડી રહી હતી. ઇસનપુર પોલીસ અને રેલવે પોલીસ વચ્ચે લાબી રકઝક બાદ અંતે ઇસનપુર પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે

You might also like