પતંગ દોરીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો

અમદાવાદ: ઉત્તરાયણ પર્વના અાડે ગણતરીના દિવસો અાડા રહ્યા છે ત્યારે પતંગ દોરીના બજારમાં જોઈએ તેવી ઘરાકી દેખાતી નથી. પતંગ દોરીના બજારમાં ઘરાકી ન હોવાની પાછળ મોંઘવારી અને મંદીની અસર જવાબદાર હોવાનું કહેવાય છે. દિવસે દિવસે વધતી જતી મંદી અને મોંઘવારીનાં પરિણામે અા વર્ષે અમદાવાદના પતંગ દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 15થી 20 ટકાનો ઘટાડો થયો છે.

અામ છતાં કેટલાક વેપારીઅો પોતાનું નુકસાન ઘટાડવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. તેમાં ખાસ કરીને દોરીના વેપારીઅો દ્વારા ગ્રાહકો સાથે છેતરપ‍િડી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે હાલમાં પતંગ દોરીના બજારમાં દેખાતી મંદી ઉત્તરાયણના એક અઠવાડિયા પૂર્વે દૂર થાય તેવી અાશા પતંગ દોરીના વેપારીઅો રાખી રહ્યા છે.

અમદાવાદના પતંગ દોરીના વેપારીઅો દ્વારા પતંગ અને દોરીના ભાવમાં 15થી 20 ટકાનો ઘટાડો કરાયો હોવાનું વેપારીઅોએ જણાવ્યું હતું. પતંગના એક બંડલ (1000 પતંગ)ના ભાવમાં રૂ.200 જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે દોરીમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું

દોરીના વેપારીઅો દ્વારા ગ્રાહકોને 500 ગ્રામ દોરીનો કોન એટલે 5000 વાર દોરી કહીને છેતરવામાં અાવી રહ્યા છે. જો કે 500 ગ્રામ દોરીના કોનમાં 3200 વારથી 4000 વાર સુધીની દોરી અાવે છે. જેના કારણે ગ્રાહક એક તો દોરી ખરીદવામાં છેતરાય છે ત્યાર બાદ તે દોરી રંગાવવામાં રંગનારને 5000 વાર દોરી રંગવાના પૈસા અાપીને નુકસાન કરી રહ્યા છે. ત્યારે અા સંજોગોમાં પતંગ અને દોરીના રસિકોએ પોતાના વિશ્વાસુ હોય તેવા વેપારીઅો પાસેથી પતંગ અને દોરીની ખરીદી કરવી જોઈએ તેવું કહી શકાય.

ધંધાની જેમ પતંગ અને દોરીના ધંધા ઉપર મંદી અને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે હજુ સુધી પતંગ અને દોરીના બજારમાં ઘરાકી જોવા મળતી નથી. મંદીના લીઘે પતંગ બજારમાં ગત વર્ષે સાડી સત્યાવીસની જમાલપુરની ચીલના એક બંડલ (1000 પતંગ)ના ભાવ રૂ. 2100થી 2200ની અાસપાસ હતા. તે અા વર્ષે રૂ.1900થી 2000ના ભાવે વેચાણમાં મૂકાયા છે.

અાવી જ રીતે રામપુર અને જોધપુરની ચીલનો ભાવ ગત વર્ષે રૂ.2400થી 2600નો હતો. તે અા વખતે રૂ. 2300થી 2500માં વેચાય છે. જ્યારે બીજી તરફ દોરીના કેટલાક વેપારીઅો નુકસાન ઘટાડવા માટે ઊંડા પેટવાળી ફીરરીના બદલે ઊંચા પેટવાળી ફીકરીમાં દોરી વેચે છે. જેના કારણે ગ્રાહકોને 40થી 45 ટકા દોરી અોછી મળે છે.

You might also like