કિશોર રાઠોડ અંડરવર્લ્ડની છત્રછાયામાં છુપાયાની આંશકા

અમદાવાદ: દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલા 270 કરોડનો એફેડ્રિન ડ્રગ્સના કારોબારમાં પૂર્વ ધારાસભ્યનો પુત્ર કિશોરસિંહ રાઠોડ હજુ ફરાર છે. તેની ધરપકડ કરવા એટીએસની ટીમે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ડ્રગ્સ રેકેટ સામે આવ્યા પછી કિશોર રાઠોડ મહારાષ્ટ્રમાં અંડરવલ્ડની છત્રછાયામાં છુપાયો હોવાની વિગતો સૂત્રો દ્વારા મળી છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.

દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસી ખાતે રેડ કરી પોલીસે 270 કરોડની કિંમતના 1365 કિલો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો એટીએસ તથા ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પા઼ડી એક આરોપીની ધરપકડ કરી હતી. જે પછી સામે આવ્યું હતું કે ગુજરાત પોલીસે ઝડપેલો ડ્રગ્સનો જથ્થો તો માત્ર સેમ્પલ હતું એફેડ્રિનનો મોટો જથ્થો તો મહારાષ્ટ્રના સોલાપુરમાં છે. ગુજરાત પોલીસની બાતમીના આધારે જ મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસે રેડ કરી 18 હજાર કિલોથી વધારે બે હજાર કરોડ રૂપિયાનો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

એટીએસની ટીમે કિશોર રાઠોડની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમ બનાવી છે. એટીએસના ઉચ્ચ અધિકારીઓને એવી આશંકા છેકે કિશોર રાઠોડ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અથવા તો ગુજરાતમાં છુપાયો છે. એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કિશોર રાઠોડને પકડવા માટે એટીએસની ટીમ મુંબઇ, પુના, સોલાપુર જઇને આવી છે પરંતુ તેનો પત્તો હજુ સુધી લાગ્યો નથી. ત્યારે અધિકારીઓનું એવું પણ માનવું છે કે કિશોર રાઠોડને છુપાવવા માટે અંડરવર્લ્ડના કેટલાક નામાંકિત લોકોએ તેને મદદ કરી છે અને તેમની છત્રછાયા હેઠળ મહારાષ્ટ્રમાં તે છુપાયો છે.

You might also like