રાજા, મહારાજા, સાહેબમાં ફસાયેલી મધ્યપ્રદેશ કોંગ્રેસ

આગામી વર્ષે તેમજ ૨૦૧૮માં દેશનાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી કોના નેતૃત્વમાં લડવામાં આવે? તે મુદે કોંગ્રેસ ભારે મંુઝવણમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે. આ મુદે કયારેક કમલનાથ (જેમને તેમના સમર્થકો સાહેબ કહે છે) તો કયારેક જ્યોતિરાદિત્ય સિંધિયા(જેમને મહારાજા કહેવાય છે) તો કેટલીક વાર દિગ્વિજય સિંહ(રાજા)નું નામ આ બાબતે ચર્ચામાં આવે છે. જોકે હાલ આ મુદે કોઈ ખાસ હિલચાલ જોવા મળતી નથી. ત્યારે એવુંં લાગે છે કે કોંગ્રેસ હાલ રાજા, મહારાજા અને સાહેબ વચ્ચે ફસાઈ ગઈ છે.

મધ્યપ્રદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે દિગ્વિજય સિંહના નેતૃત્વમાં જ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે. બીજી તરફ રાજ્યના વર્તમાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવના સમર્થકો દાવો કરે છે કે મોટા નેતાઓના સમર્થકો ભલે ગમે તેવા દાવા કરે પણ ચૂંટણી તો યાદવની અધ્યક્ષતામાં જ લડાશે. આ લોકોનું કહેવું છે કે હકીકતમાં અરુણ યાદવ કોંગ્રેસના એવા યુવા નેતામાં સામેલ છે કે જેમને ખુદ રાહુલ ગાંધીએ જ ઊભા કર્યા છે. તેથી યાદવને નજરઅંદાજ કરવામાં નહિ આવે. જોકે નેતૃત્વ કોના હાથમાં રહેશે તે અંગે હાલ માત્ર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ એ વાત નક્કી છે કે હવે આ બાબતે જેટલો વિલંબ થશે તે કોંગ્રેસ માટે મુશ્કેલ બની શકે તેમ છે.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી થોડા સમય બાદ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામવા લાગશે અને એકવાર જે માહોલ બની જશે તે છેક ચૂંટણી સુધી જળવાઈ રહેશે. હવે જ્યારે ૨૦૧૮માં મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે તેથી સમગ્ર વર્ષ ચૂંટણીનું રહેશે. તેથી કોંગ્રેસ પાસે કામ કરવા અને કામ બતાવવાના પક્ષમાં માહોલ ઊભો કરવા માટે ૨૦૧૭નું વર્ષ યોગ્ય રહેશે.

જો કોંગ્રેસે ભાજપને ખરેખર ટકકર આપવી હશે તો પક્ષે આ વખતે સખત મહેનત કરવી પડશે. છેલ્લાં ૧૩ વર્ષની સ્થિતિ પર નજર કરવામાં આવે તો આ દરમિયાન ક્યારેય કોંગ્રેસે આ માટે પ્રયાસ કર્યો હોય તેમ લાગતું જ નથી કે જેથી ભાજપને સત્તા પરથી દૂર કરી શકાય. જોકે મોટાભાગના કોંગ્રેસના નેતાઓ અને તેમના સમર્થકો એવો દાવો કરી રહ્યા છે કે આ વખતે આ માટે ખુદ જનતા આગળ આવશે. અને તેઓ કોંગ્રેસ તરફી મતદાન કરશે. અને તે રીતે ભાજપ સત્તામાંથી ફેંકાઈ જશે. કોંગ્રેસ તરફથી એવો પણ દાવો થઈ રહ્યો છે કે જનતા ભાજપથી ખૂબ નારાજ છે. તેઓ તેમના મત વિસ્તારના ધારાસભ્યો સામે વધુ નારાજ છે. આવી નારાજગીને દૂર કરવા ભાજપે આ વખતે આવા ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા આ બાબતને નારાજગી દૂર કરવાની એક પ્રાયોગિક ફોર્મ્યુલા ગણાવે છે.

બીજી તરફ જો કોંગ્રેસ જનતાની આવી નારાજગીને મતમાં ફેરવવાની કોશિશ નહિ કરે ત્યાં સુધી તેના માટે સત્તા પર પરત આવવાનું માત્ર સ્વપ્ન જ બની રહેશે. કારણ જનતા વિકલ્પ શોધે છે અને વિકલ્પ ઊભો કરવાનું કામ વિપક્ષે કરવાનું હોય છે. આ વાતને સમજવા માટે આપણે ૨૦૦૩ની વિધાનસભા અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ શકીએ તેમ છીએ। ૨૦૦૩ની ચૂંટણી સુધી રાજ્યની જનતા દિગ્વિજય સિંહ સરકારથી તંગ આવી ગઈ હતી. અને તેઓ કોંગ્રેસથી છુટકારો કરવા માગતા હતા. ભાજપે તે વખતે ઉમા ભારતીને વિકલ્પ બનાવી જનતા સામે ઉતારતા જનતાના રોષને તેમની તરફેણમાં મતમાં ફેરવવાની તક ગુમાવી ન હતી. અને આવુ‌ં જ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. મનમોહન સિંહના વિકલ્પ તરીકે મોદીને મેદાનમાં ઉતારાતાં ભાજપને તે વખતે પણ મોટી સફળતા મળી હતી.

You might also like