કિમ જોંગે સ્વીકાર્યું ટ્રમ્પનું આમંત્રણ: ટૂંક સમયમાં લેશે વ્હાઈટ હાઉસની મુલાકાત

સિંગાપોર: સિંગાપોરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે ગઈકાલે બેઠક થઇ. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે આ મુલાકાત ધાર્યા કરતાં વધુ સફળ અને સારી રહી. બંને નેતાઓએ બીજી દ્વિપક્ષીય બેઠક અને લંચ બાદ કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે.

બંનેએ સામૂહિક નિવેદન જાહેર કરતાં કહ્યું કે વિશ્વ આવનારા દિવસોમાં મોટા બદલાવને જોશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું હતું તેનો સ્વીકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસ જશે.

દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે નોર્થ કોરિયા ટૂંક સમયમાં જ ન્યુક્લિયર ડિસઆર્મેન્ટ્સ (પરમાણુ નિઃશસ્ત્રીકરણ)ની કાર્યવાહીને ઝડપી બનાવશે. સમગ્ર વિશ્વની જેના પર નજર હતી તે અમેરિકા અને ઉત્તર કોરિયાની ઐતિહાસિક શાંતિ મંત્રણા સફળ રહી છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની મંત્રણા સફળ રહેતાં સમગ્ર વિશ્વએ હાશકારાનો દમ લીધો છે અને સાથે જ તેને વધાવી પણ લીધી છે. ટ્રમ્પ અને કિમે પરસ્પરનું અભિવાદન કરીને આ સાથે જ એક ‘અત્યંત સર્વગ્રાહી’ દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કર્યા છે.

કિમ જોંગે પરમાણુ નિ:શસ્ત્રીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવાનું વચન આપ્યું છે. બન્ને નેતાઓએ તેમની વચ્ચેની અગાઉની કડવાશને ભૂલીને નવા સંબંધો સ્થાપવાની દિશામાં કામ કરવાનું એકબીજાને વચન આપ્યું હતું.

You might also like