કિમ જોંગ યુરોપ-અમેરિકા પર અણુ હુમલો કરવાની તૈયારીમાં

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના માથા ફરેલા સરમુખત્યાર કિમ જોંગ પોતાની પરમાણુ તાકાત સતત વધારી રહ્યા છે. તાજેતરમાં સેટેલાઈટ દ્વારા ઝડપાયેલી તસવીરો પરથી એવો નિર્દેશ મળી રહ્યો છે કે હવે કિમ જોંગ અમેરિકા અને યુરોપ પર હુમલો કરવાની તૈયારીમાં છે. કિમ જોંગે અમેરિકા-યુરોપ પર હુમલો કરવા માટેની અણુક્ષમતા હાંસલ કરી લીધી છે. આ અગાઉ પણ કિમ જોંગ દક્ષિણ કોરિયાની સરકારને અણુ હુમલો કરવાની ચેતવણી આપી ચૂક્યા છે.

દક્ષિણ કોરિયા પણ કહી ચૂક્યું છે કે કિમ જોંગ પોતાના નેતૃત્વમાં યુરોપ અને અમેરિકાને પોતાની પકડમાં લેવા માટે અણુ મિસાઈલોનું નિર્માણ કરી શકે છે. તાજેતરમાં ઉત્તર કોરિયાના સિમ્પો શિપયાર્ડમાંથી સેટેલાઈટ તસવીરો લેવામાં આવી છે. આ તસવીરો જોઈને એવી શંકાને સમર્થન મળે છે કે એક સબમરીન હથિયારો સાથે સમુદ્રમાં હુમલો કરવા માટે મોકલવામાં આવી રહ્યાં છે.

ઉત્તર કોરિયા પર સંશોધન કરનાર જોસેફના જણાવ્યા અનુસાર હું છેલ્લાં ત્રણ વર્ષથી આ સબમરીન બનાવવામાં આવી રહી હોવાનું જોઈ રહ્યો છું અને સબમરીન સમુદ્રમાં પ્રવેશવા માટે તૈયાર થઈ રહી હોય એવું લાગે છે. તેમણે જણાવ્યું હતું કે અત્યારે ઉત્તર કોરિયાના ઈરાદા અંગે કહી પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ આ તસવીરથી એવી શંકા ચોક્કસપણે જાય છે કે ઓગસ્ટમાં ટેસ્ટ કરવામાં આવેલ સબમરીનથી લોંચ થનાર બે‌િલ‌િસ્ટક મિસાઈલ હવે ઉપયોગ કરવા માટે તૈયાર છે.

ગત સપ્તાહે દક્ષિણ કોરિયામાં એક સરકારી અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના લાંબી રેન્જ ધરાવતા આ અણુશસ્ત્રો બ્રિટન, યુરોપ અને અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે. ઉત્તર કોરિયાના ન્યુક્લિયર અફેર્સ બ્યૂરોના ડાયરેક્ટર જનરલ લી સાંગ-હોએ એવો દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાની અણુક્ષમતા અપેક્ષા કરતાં અનેકગણી વધુ શક્તિશાળી છે. તાજેતરના એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ પાસે એવી અણુ મિસાઈલો છે, જે હજારો કિ.મી.ની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

અમેરિકન સબમરીનની તુલનાએ ઉત્તર કોરિયાની સબમરીન વજનમાં થોડી હલકી છે. અમેરિકાની અણુ મિસાઈલોનું વહન કરતી સબમરીનનું વજન ૧૮,૦૦૦ ટન છે. જ્યારે ઉત્તર કોરિયાની આ સબમરીનનું વજન માત્ર ૨,૦૦૦ ટન છે.
http://sambhaavnews.com/

You might also like