મિસાઈલ પરીક્ષણમાં વિલંબ થતાં કિમ જોંગે અધિકારીને આપી ફાંસી

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તાજેતરમાં જ મિસાઈલ પરીક્ષણમાં વિલંબ થવા બદલ તે માટે જવાબદાર મનાતા બે ઉચ્ચ અધિકારીને ફાંસીની સજા કરવા આદેશ આપ્યો હતો. આ ઘટનામાં એક અધિકારીએ પરમાણુ બેઝ પર થયેલી દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી હતી.

ઉત્તર કોરિયામાં મિસાઈલ પરીક્ષણ થોડા દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે કિમ જોંગ ઉન ગુસ્સે ભરાયા હતા. ત્યાર બાદ આ મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં પરમાણુ બેઝને ચલાવવા અને ઈમારતની દેખરેખ રાખવાની જવાબદારી જે અધિકારીને સોંપાઈ હતી તેનું નામ પર્ક ઈન યંગ જણાવવામાં આવી રહ્યું છે.

તેઓ ઉત્તર કોરિયાની સત્તારૂઢ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના ડિવિઝન એટલે કે બ્યૂરો ૧૩૧ના પ્રમુખ હતા.આ કમિટી પર ઉત્તર કોરિયાની સૈન્ય સંસ્થાઓ, પરમાણુ સાઈટ અને સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની દેખરેખ રાખવાની જવાબદારી રહે છે. તેના પાંચ દિવસ પહેલાં કિમ જોંગ ઉને જનરલ હવાંગ પ્યોંગ સોને મરાવી નાખ્યા હતા. જે ઉત્તર કોરિયામાં ઉન પછીના બીજા સૌથી તાકાતવર વ્યકિત હતા. હવાંગ પ્યોંગ સો ઉત્તર કોરિયાની સેનામાં ઉપ માર્શલ હતા.

જાપાની અખબાર અસાહી શિમ્બૂનના જણાવ્યા અનુસાર પર્ક ઈન યંગ ઉત્તર કોરિયાના પરમાણુ બેઝની જ્યારથી સ્થાપના થઈ હતી ત્યારથી તેનું સંચાલન સંભા‍ળી રહ્યા હતા. પણ મિસાઈલ પરીક્ષણમાં વિલંબ અને પરમાણુ બેઝની સુરંગની મરામત સમયસર નહીં થતાં કિમ જોંગ ખૂબ નારાજ હતા. ત્રણ સપ્ટેમ્બરે મિસાઈલ પરીક્ષણ પહેલાં હાઈડ્રોજન બોમ્બનાં પરીક્ષણ બાદ પરમાણુ બેઝની સુરંગ તૂટી ગઈ હતી.

જેને કારણે ૨૦૦ કામદારનાં મોત થયાં હતા. ત્યારથી આ સુરંગની મરામત થઈ શકી ન હતી.જેને કારણે મિસાઈલ પરીક્ષણમાં વિલંબ થતાં કિમ જોંગે આ બંને અધિકારીને ફાંસીની સજા કરવા આદેશ આપ્યો હતો. કારણ કિમ જોંગ ઉનને કામમાં વિલંબ સહેજ પણ પસંદ નથી. એવુ જાણવા મળે છે કે કીમ જોંગ પાંચ વર્ષમાં સત્તા માટે ૩૪૦ લોકોની હત્યા કરાવી ચુક્યા છે.જેમાં મોટાભાગના સિનિયર અધિકારી સામેલ છે.

You might also like