ટ્રાવેલ્સના ડ્રાઈવર-કંડક્ટર સહિત ચાર શખ્સોએ યુવકને છરી મારી

અમદાવાદ: શહેરના સીટીએમ એક્સપ્રેસ-વે નજીક ગત રાત્રે ટ્રાવેલ્સ અને કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ ઉગ્ર બોલાચાલીમાં ટ્રાવેલ્સના ડ્રાઈવર-કંડકટર સહિત અન્ય બે શખ્સોએ ભેગા મળી કારચાલકના પુત્રને છરીના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે ચાર શખસો સામે ફરિયાદ નોંધાતાં રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આનંદરાય ચીમનભાઈ બ્રહ્મભટ્ટ (ઉ.વ.૫૦) દસ્ક્રોઈ તાલુકાના કણભા ગામે આવેલી ધર્માનંદ સોસાયટીમાં રહે છે. આનંદરાય મોડી રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેમની અલ્ટો કારમાં તેમના પુત્ર પાર્થ સાથે સીટીએમ એક્સપ્રેસ-વે પાસેથી પસાર થતા હતા.
તે દરમિયાનમાં એક્સપ્રેસ-વેના વળાંક નજીક શુભમ ટ્રાવેલ્સની બસ સાથે આનંદરાયની કારને અકસ્માત થયો હતો. અકસ્માત થતાં આનંદરાય અને બસના ડ્રાઈવર તથા કંડકટરને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે અચાનક જ ‌િસ્વફટ કારમાં અન્ય બે શખસો આવ્યા હતા અને તેઓએ પણ ઝઘડામાં વચ્ચે પડી બોલાચાલી શરૂ કરી હતી.
બસના ડ્રાઈવર-કંડકટરે આનંદરાયના પુત્ર પાર્થને શરીરના ભાગે છરીના ઘા મારી દીધા હતા. ઈજાગ્રસ્ત પાર્થને સારવાર અર્થે નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બનાવ બાદ ચારેય શખસો ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ આ અંંગે રામોલ પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. આ અંગે આનંદરાયની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી ચારેય શખસોને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

You might also like