આઇપીએલમાં પ્રદર્શન બાબતે પોલાર્ડ-માંજરેકર વચ્ચે ટ્વિટર વોર

મુંબઈઃ આઇપીએલમાં જ્યાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થાય છે, વિકેટોની લાઇન લાગે છે, રોમાંચક મેચ રમાય છે ત્યારે તેની સાથે સાથે આઇપીએલમાં વિવાદ પણ જરૂર થાય જ છે. આઇપીએલની દસમી સિઝનમાં એક વિવાદે ત્યારે જન્મ લીધો, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકર પર ભડકી ઊઠ્યો અને તેના વિરુદ્ધ ટ્વિટર પર ઘણું બધું લખી નાખ્યું.

ઉલ્લેખનીય છે કે આ િસઝનમાં મુંબઈની પહેલી મેચમાં પોલાર્ડે ૧૭ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદની મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહીં. આથી માંજરેકરે તેના પર નિશાન સાધ્યું. કોમેન્ટરી દરમિયાન સંજય માંજરેકરની એક ટિપ્પણી પર પોલાર્ડ ભડકી ઊઠ્યો અને તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માંજરેકર વિરુદ્ધ ઘણું બધું લખી નાખ્યું. પોલાર્ડે લખ્યું, ”તને લાગે છે કે તું જે કંઈ કહી રહ્યો છે તે સાચું છે, કારણ કે તને બોલવાના પૈસા મળે છે, તું તારો બબડાટ ચાલુ રાખી શકે છે.”

પોલાર્ડે પોતાના બીજા ટ્વિટમાં સંજય માંજરેકરને જવાબ આપતા લખ્યું, ”તું જાણે છે કે હું આટલો મોટો કેમ થયો છું, બેવકૂફીથી! શબ્દો બહુ જ શક્તિશાળી હોય છે. એક વાર મોઢામાંથી નીકળી ગયા બાદ તેને પાછા ખેંચી શકાતા નથી.” ત્યારબાદ પોલાર્ડે ત્રીજું ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં તેણે પોતાની ટીમની પ્રશંસા કરતાં લખ્યું, ”આખી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.”

શું હતો મામલો?
અસલમાં કેકેઆર અને મુંબઈ ઇન્ડિયન્સના મુકાબલામાં જ્યારે પોલાર્ડ બેટિંગ કરવા આવ્યો તો કોમેન્ટરી બોક્સમાં બેઠેલા સંજય માંજરેકરે પોલાર્ડ સામે કંઈક એવી વાત કહી, જેનાથી પોલાર્ડ ભડકી ઊઠ્યો. સંજય માંજરેકરે પોલાર્ડને ઉપરના ક્રમમાં બેટિંગ કરવા અંગે કહ્યું કે પોલાર્ડ પાસે ટોચના ક્રમમાં બેટિંગ કરવાની સમજ નથી, તે ફક્ત અંતિમ છ ઓવરમાં જ સારી બેટિંગ કરી શકે છે. આમ પણ પોલાર્ડ બેટિંગમાં કોઈ ચમત્કાર કરી શક્યો નથી.
http://sambhaavnews.com/

You might also like