૮૦ ટકા ખરાબ થઈ ગયેલી કિડની પણ સારી થઈ શકશે

નવી દિલ્હી: જન્મજાત બીમારીમાં કિડનીના દર્દથી પીડાતા દર્દીઓની ૮૦ ટકા કિડની ખરાબ થઈ ગઈ હોવા છતાં તેઓ સારા થઈ શકે છે. આવા દર્દીઓને પાયલોપ્લાસ્ટી કરીને તેમની કિડની સારી કરી શકાય છે. તે માટે હવે ખરાબ કિડની કાઢવાની જરૂર નહિ પડે. એઇમ્સમાં ૩ર દર્દીઓ પર કરવામાં આવેલા સર્વેમાં આ બાબત બહાર આવી છે.

આ અંગે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે યુરેટરમાં બ્લોકેજના કારણે ૮૦ ટકાથી વધુ ખરાબ થઈ ગયેલી કિડનીના દર્દીઓને પાયલોપ્લાસ્ટી કર્યા બાદ ૯૩.૭ ટકા દર્દીઓને ફાયદો થયો છે તેમજ ૪૦ ટકા દર્દીઓની કિડની ફરી વાર કામ કરતી થઈ ગઈ છે. તાજેતરમાં જ યુરોલોજી નામના મેડિકલ જર્નલમાં આ વિગતો બહાર આવી છે. આ સર્વે એઇમ્સના યુરોલોજી વિભાગના ડોક્ટરોએ કર્યો છે. ડોક્ટરોએ કિડનીના યુરેટ્રો-પેલ્વિક જંક્શન દ્વારા બ્લોકેજની બીમારીથી પીડાતા ૩ર દર્દીની પાયલોપ્લાસ્ટી કરી હતી. આ દર્દીઓની કિડની ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમની કિડની ર૦ ટકાથી પણ ઓછી કામ કરી કરી રહી હતી.

ડોક્ટરોએ પાયલોપ્લાસ્ટી કર્યા બાદ બે વર્ષ ત્રણ મહિના સુધી આ દર્દીઓ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું કે ૪૦ ટકા દર્દીની કિડનીમાં સારો સુધારો થયો છે. આ ઉપરાંત પ૩.૭ ટકા દર્દીની કિડની જેટલું કામ કરી રહી હતી તેનાથી વધુ બગડી ન હતી. એઇમ્સના યુરોલોજી વિભાગના સહાયક પ્રોફેસર ડો. ઋષિ નાયરે જણાવ્યું કે કિડની અને યુરીન બ્લેડર વચ્ચે એક યુરેટર નસ જોડાયેલી હોય છે, જેનાથી યુરીન બ્લેડરમાં પહોંચે છે. કિડનીના નીચેના ભાગ પાસે જ્યાં યુરેટર જોડાયેલું હોય છે તે જગ્યાએ કેટલાક દર્દીઓમાં જન્મજાત બ્લોકેજ જોવા મળે છે.

કેટલાક દર્દીઓમાં આ બીમારીની ઝડપથી જાણ થઈ જાય છે. તેથી સર્જરી દ્વારા બ્લોકેજ હટાવીને કિડની સાથે યુરેટર જોડી દેવામાં આવે છે તેને પાયલોપ્લાસ્ટી કહેવામાં આવે છે. આવી સર્જરી તેવા દર્દીઓ પર કરવામાં આવતી નથી જેમની કિડની ખૂબ જ ખરાબ (ર૦ ટકાથી પણ ઓછી) થઈ જતાં ઓછું કામ કરતી હોય. આ બીમારીની મોડેથી જાણ થવાથી કિડની ખરાબ થઈ જાય છે. તેથી તેને કાઢવી પડે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ખૂબ ખરાબ રીતે કામ કરતી કિડનીને પણ પાયલોપ્લાસ્ટીથી સારી કરી શકાય છે.

You might also like