બાળકની ઘેલછામાં દંપતી પાડોશીનાં ત્રણ મહિનાના પુત્રને ઉઠાવી ગયું

અમદાવાદ: લગ્ન જીવનનાં લાંબા સમયગાળા બાદ પણ બાળક થતું નહીં હોવાથી બાળકની ઘેલછામાં કેટલાક દંપતીઓ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી જાય છે અને બીજાના બાળકને ઉઠાવી જાય છે. આવો જ એક કિસ્સો શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બનવા પામ્યો છે.

લગ્ન જીવનના લાંબા સમયગાળા બાદ પણ બાળક થતું ન હોઇ પાડોશીના ચાર બાળક હોઇ સૌથી નાના બાળકને તેની માતા મેમ્કો ખાતે બોલાવે છે તેમ કહી તેનું અપહરણ કરી ઉત્તર પ્રદેશ લઇ ગયા હતા. મેઘાણીનગર પોલીસે ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસેથી બાળકને હેમખેમ મુક્ત કરાવી દંપતીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલી પ્રતાપજીની ચાલીમાં વિમળાબહેન વિદ્યાસાગર દોહરે તેમના પરિવાર સાથે રહે છે. વિમળાબહેન અને તેમના પતિ છૂટક મજુરી કામ કરે છે અને તેમને ચાર સંતાન છે. જેમાં સૌથી નાનો પ્રિયાંશ (ઉ.વ. ૩) માસ છે. વિમળાબહેનની પાડોશમાં જ સૂરજભાઇ લાલબહાદુર નિષાદ અને તેની પત્ની પૂજા રહેતાં હતાં. સૂરજ અને પૂજાનાં લગ્નને ચારેક વર્ષ થયાં છે અને તેમને કોઇ સંતાન ન હતું. વિમળાબહેન અને સૂરજનાં પરિવારની પાડોશમાં રહેતા હોઇ અને મૂળ ઉત્તર પ્રદેશના હોવાથી એકબીજાને ઓળખતાં હતાં.

ર૦ જાન્યુઆરીના રોજ વિમળાબહેન અને તેમના પતિ મજૂરી કામે ગયાં હતાં અને ચારેય બાળકો ઘરે હતાં. દરમ્યાનમાં પૂજાબહેન સાંજે સાડા ચારેક વાગ્યે વિમળાબહેનનાં ઘરે ગયાં હતાં અને ઘરમાં હાજર બાળકોને જણાવ્યું હતું કે “તારી મમ્મી પ્રિયાંશને મેમ્કો ખાતે બોલાવે છે.” આ રીતે પ્રિયાંશને તેઓ લઇ ગયાં હતાં. સાંજે વિમળાબહેન ઘરે પરત ફરતાં પ્રિયાંશ વિશે પૂછપરછ કરતાં પૂજાબહેન લઇ ગયાં હોવાનું બાળકોએ જણાવ્યું હતું.

પૂજાબહેન અને તેમના પતિ પ્રિયાંશનું અપહરણ કરી લઇ ગયાં હોવાની શંકાને લઇ વિમળાબહેને આ અંગે મેઘાણીનગર પોલીસને જાણ કરી હતી. મેઘાણીનગર પોલીસે તાત્કાલીક એકશનમાં આવી આરોપીઓના મોબાઇલ નંબર ટ્રેસ કરવાના અને તેઓનાં વતન ઉત્તર પ્રદેશ ખાતે તપાસ શરૂ કરી હતી. આરોપીઓ ઉત્તરપ્રદેશના સુલતાનપુર પાસે હોવાની માહિતીને લઇ પોલીસે આરોપી દંપતીને ઝડપી લઇ બાળકને મુક્ત કરાવી અમદાવાદ લઇ આવી હતી.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનનાં પી.આઇ. ડી.એસ. પૂનડિયાએ જણાવ્યું હતું કે આરોપી દંપતીનાં લગ્નને ચાર પાંચ વર્ષ થયાં હોઇ બાળક ન થતાં અપહરણ કરી લઇ ગયાં હતાં. હાલ આરોપી દંપનીની ધરપકડ કરી જેલ હવાલે કરાયું છે. અને બાળકનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like