ડરાવવા અને ધમકાવવા અપહરણ કરાયાની શંકા

અમદાવાદ: ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ માધવ ફલેટમાં રહેતા જય પટેલ નામના કિશોરનું સોમવારે કેટલાક શખસો દ્વારા ઇકો કારમાં તેની મમ્મીને ઓળખે છે તેમ કહી તેનું અપહરણ કર્યું હતું. આ બાબતે પોલીસે જયની શોધખોળ શરૂ કરતાં અપહરણકારો જયને નડિયાદ ખાતે મૂકીને નાસી છૂટ્યા હતા.

પોલીસ દ્વારા જયનું અપહરણ કોણે કર્યું તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે પરંતુ પોલીસને મહત્વની કોઇ કડી મળતી નથી. જયના પરિવારજનોને અથવા તો તેની માતાને ડરાવવા-ધમકાવવા માટે જયનું અપહરણ કરાયું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. જોકે અપહરણકારોના ઝડપાયા બાદ સત્ય હકીકત બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

સોલા પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.વી. રાણાએ જણાવ્યું હતું કે ઇકો ગાડીમાં અપહરણકારો જયને રિંગરોડ પર થઇ નડિયાદ તરફ લઇ ગયા હતા જેથી તે તરફના સીસીટીવી ફૂટેજ તપાસવા શરૂ કર્યા છે. અપહરણકારો ગાડીમાં જયને તેની માતા વિશે વાતચીત કરતા હતા અને સાણંદ ખાતે જવાનું છે તેમ જણાવી રસ્તામાં તેને વારંવાર જમવા માટે પૂછતા હતા પરંતુ જયે જમવાની ના પાડતાં તેને માઝા અને આઇસક્રીમ ખવડાવ્યાં હતાં.

અપહરણકારો જયની સાથે સારી રીતે વર્તન કર્યું હતું અને સામાન્ય રીતે જે વાતચીત થતી હોય તેવી વાતચીત કરી હતી તેેથી પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે જયના પરિવારથી કોઇ પરિચિત વ્યક્તિએ જ અપહરણ કર્યું હોઇ શકે તેમજ ડરાવવા-ધમકાવવા માટે પણ અપહરણ કરવામાં આવ્યું હોય. જયનાં માતા પોલીસ તપાસમાં કોઇ ખાસ સહયોગ નથી આપી રહ્યાં જેના કારણે આરોપીઓ અંગેની કોઇ ખાસ કડી મળતી નથી તેમ પી.આઇ.એ જણાવ્યું હતું.

You might also like