સિંગરવામાં સાડા ત્રણ વર્ષની બાળકીને કોઈ ઉઠાવી ગયું!

અમદાવાદ: શહેરમાં સગીર વયનાં અને નાનાં બાળકોના ગુમ થવાના બનાવોમાં છેલ્લા એક મહિનાથી વધારો થતાં ચિંતાનો વિષય બન્યો છે. ઓઢવ વિસ્તારમાં આવેલા સિંગરવા ગામની અમરતભાઇની ચાલીમાં રહેતા એક ગરીબ મજૂર પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીનું કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરી ફરાર થઇ ગઇ છે. બાળકીનું અપહરણ થયું હોવાનું પોલીસને પૂરેપૂરી શંકા છે પરંતુ પોલીસ હજુ પણ બાળકીને શોધી શકી નથી અને હાથ ઉપર હાથ ધરી બેઠી છે.

ઓમપ્રકાશ ગુપ્તાના પરિવારમાં ચાર બાળકો છે, જેમાં પિન્કી (ઉ.વ.૩.પ વર્ષ) સૌથી નાની છે. ઓમપ્રકાશ અને તેની પત્ની નોકરી કરે છે. તેઓ સવારથી નોકરીએ જતાં રહે છે. ચારેય બાળકો ઘરે એકલાં રહે છે અને એકબીજાને સાચવે છે. ચાર દિવસ અગાઉ સાંજે પિન્કી ઘરની બહાર રમતી હતી ત્યારે કોઇ અજાણી વ્યક્તિ તેને ઉઠાવી ગઇ હતી.

સાંજે તેની માતા ઘરે આવતાં પિન્કીની કોઇ ભાળ ન મળતાં આસપાસમાં શોધતાં મળી ન હતી, જેથી ઓઢવ પોલીસને જાણ કરી હતી. અપહરણ જેવો ગંભીર ગુનો હોવા છતાં પોલીસે બે દિવસ બાદ ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી હતી. ઓઢવ પોલીસે માત્ર બાળકીના ફોટા અને માહિતી રેલવે અને બસ સ્ટેન્ડ પર મોકલી છે, પરંતુ બાળકીને ઉઠાવી જનાર ગેંગ હોય કે કેમ તે દિશામાં તપાસ જ નથી કરી.

આ કેસની તપાસ કરતા પી.એસ.આઇ. વી.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં તો હું વલસાડ કોર્ટમાં મુદતમાં છું. અમે બાળકીની તપાસ કરી રહ્યા છે. બાળકીનું અપહરણ કરાયું હોવાનું અમને શંકા છે જેથી તે દિશામાં અમે તપાસ શરૂ કરી છે.

જ્યારે કોઇ પૈસાદાર ઘરની બાળકી ગુમ થઇ જાય ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડતી થઇ જાય છે અને તેના સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કરી ગમે તેમ માહિતી મેળવે છે, પરંતુ અહીંયાં એક ગરીબ મજૂર વર્ગની બાળકી ગુમ થઇ જતાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ નિષ્ક્રીય છે.

ગુમ થનાર બાળકીની માતા કમલાબહેન ગુપ્તાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે હું દસ રૂપિયા મારી બાળકીને આપી નોકરી ગઇ હતી. સાંજે ઘરે પરત આવી ત્યારે મારી બાળકી ઘરે મળી આવી નહોતી.

You might also like