૧૭ વર્ષની ઉંમરે ૧૮ વખત ભાગી ગયો!

અમદાવાદ: વટવા કેનાલ રોડ પર આવેલી સ્વૈચ્છિક સંસ્થા અમીઝરા બાળગૃહનો કોટ કૂદી ૩ કિશોર ભાગી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વટવામાં આવેલી અમીઝરા બાળગૃહમાં ૧૭ જુલાઈએ સવારે ૭ વાગે ૩ કિશોર ભાગી ગયા હોવાની જાણ સંસ્થાના કર્મચારી ગિરીશભાઈ મહેરામણને થતાં તેમણે વટવા પોલીસને જાણ કરી હતી. આ સંસ્થામાં 6 મહિના પહેલાં 3 કિશોર દેવેન્દ્ર રમેશભાઇ પરમાર (ઉ.વ.૧૭) શશીકાન્ત ધર્મેન્દ્રભાઇ ઉપાધ્યાય (ઉ.વ ૧૨) મહંમદ©હુસૈન અંસારી ( ઉ.વ ૧૪) બાળગૃહમાં રખાયા હતા.

વટવા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ.સરવૈયાએ જણાવ્યું છે. દેવેન્દ્ર રમેશભાઇ પરમારનાં માતા પિતાનું થોડાક સમય પહેલાં મૃત્યુ થયું હતું. જેથી છેલ્લા સમયથી બાપુનગરમાં તેના કાકા કાકી જોડે બાપુનગરમાં રહેતો હતો. કોઇ અગમ્ય કારણોસર દેવેન્દ્ર તેનાં કાકા કાકીના ઘરેથી ૧૭ વખત ભાગી ગયો હતો. જેના કારણે તેના કાકાએ દેવેન્દ્રને જોડે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો, અને ચાઇલ્ડ હેલ્પ લાઇન મારફતે તેને અમીઝરા બાળગૃહમાં મૂકી આવ્યા હતા. જોકે તે ૧૮મી વખત બાળગૃહમાંથી ફરાર થઇ ગયો છે.  બાળકો નહીં મળતાં પોલીસે 18 દિવસ પછી અપહરણની ફરિયાદ દાખલ કરી છે.

You might also like