લોકો આ વિશે વાત કરશે તો પણ મને ખુશી થશેઃ અર્જુન કપૂર

અર્જુન કપૂરે નાના પડદાના ચર્ચિત રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ને હોસ્ટ કર્યો ત્યારથી તે ચર્ચામાં હતો. ત્યાર બાદ તેની આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘કી એન્ડ કા’ને લઇને તે ઘણા સમય પહેલાંથી ચર્ચામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તે હાઉસ હસબન્ડનું પાત્ર ભજવી રહ્યો છે. અર્જુનનું કહેવું છે કે તેને નાની ઉંંમરમાં આટલો મોટો ચાન્સ મળ્યો તે માટે તે નસીબદાર છે. તે કહે છે કે હાઉસ હસબન્ડના કોન્સેપ્ટને આગળ વધારવા માટે જો લોકો આગળ આવશે તો તે ખરેખર ખુશીની બાબત હશે. તે કહે છે કે આ ફિલ્મમાં હું મારી પત્ની માટે જમવાનું બનાવી રહ્યો છું તે જોઇને જો કોઇ પ્રેરણા લેશે અને મહિનામાં એક વખત પણ પત્ની માટે ચા-નાસ્તો બનાવશે તો હું માનીશ કે મને મારા કર્યાનું ફળ મળી ગયું. હું માનું છું કે પુરુષો ખૂબ જ અવેર હોય છે, પરંતુ તેઓ પોતાની પત્નીની પરેશાનીઓ પર ધ્યાન આપતા નથી. સવારે ૭ વાગ્યે નોકરી માટે બહાર નીકળીને સાંજે ૭ વાગ્યે ઘરે આવે છે ત્યારે થાકેલા-હારેલા હોય છે. તમે તમારા કામમાં સંપૂર્ણપણે ધ્યાન રાખી શકો છો તેનું કારણ એ છે કે તમારી પત્ની ઘર સંભાળે છે.

અર્જુન કહે છે કે લોકો હાઉસ હસબન્ડના કોન્સેપ્ટને સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ ફક્ત તેના વિશે વાત કરશે અને આ માટે આગળ આવવા ઇચ્છશે તો પણ મને ખુશી થશે. જો હાઉસ હસબન્ડ ન બની શકે તો કંઇ નહીં, પરંતુ કમસે કમ એવા લોકો જે મળે કે પોતાની પત્ની સાથે બેલેન્સ રાખીને ચાલતા હોય અને તે મુશ્કેલીમાં ફસાય ત્યારે તેને મદદ કરતા હોય. આજકાલ શેરિંગ ખૂબ જરૂરી બની ગયું છે. આવા સંજોગોમાં પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી. તમારે તમારી પત્નીને મદદ કરવી જ જોઇએ. હું ઇચ્છું છું કે આમ થવું જોઇએ. •

You might also like