‘ખૂટલ..!’ નવલિકા – અતુલકુમાર વ્યાસ

એની ધગધગતી જવાની આ પાણીની છાલકે છાલકે ઓગળી ઓગળીને એના શરીર પરથી કમર સુધી સરી રહી છે.

 

‘હાળા વહવાયા, મારી ઠેકડી કરેશ.?’ માનસિંહે પીઠ પર તેલ માલિશ કરતાં કરશનિયાને કહ્યુંઃ ‘હજી કાલ્ય સવાર સુધી અમારાથી ફેં ફાટતી ઈ ભૂલી જ્યો..તારી જાતના ઘસિયા-?’

‘બાપુ, અમે તો અટાણે ય તમારા ચાકર છૈયે ને પેલા ય હતા.’ કરશને બગડતી બાજી સુધારી લેતાં કહ્યુંઃ ‘આ તો રાત દાડો તમારી ભેળા રહીએ એટલે એકાદવાર તમારું ય લટકું લેવાની સુવાણ થાય ને..?’

‘હમ્મ…’ માનસિંહે હોંકારો ભણ્યો..ને એ મનોમન વિચારતો થયોઃ હાળા હલકીના વહવાયાવ, જેમની માથું ઊંચકીને ઉપર જોવાની ત્રેવડ થાતી નોતી, ઇ મારા હાહરીના મશ્કરિયું કરતાં થૈ ગ્યા છે..!

કરશન બોલ્યોઃ ‘મારી વાત કાન સોંસરવી કાઢી નાંખવા જેવી નથી હોં બાપુ, ઇ રતની તમારા પડખાંમાં દીપે એવી છે,’ અને એકાદ ક્ષણ પછી દબાયેલા અવાજે બોલ્યોઃ ‘ને ઇતો તમારી રખાત થવામાં ય ગરવ લેશે એવું વરણ..!’

માનસિંહ વિચારતો રહ્યોઃ હાળી છે તો એવી કરાફાતનો કટકો અને તેજીલો તોખાર! નખશિખ નક્કોર અને સંઘેડા ઉતાર કાયા..રૃપાળી એવી કે ડિલે આંગળી દબાય તોય એની ચામડીએ લાલ ચકામું ઉપડી આવે.. ભગવાને એને ઘડીને ધોળા બફલા જેવા રંગના કુંડામાં ઝબોળીને ધરતી માથે મોકલી હતી. એની કાયા એટલે ગદરીલી માટીમાંથી તાજી ઘડેલી ચમચમતી પૂતળી જ જોઈલ્યો..! જન્મારાનાં પાંત્રીસ-પાંત્રીસ વરસ વહ્યાં ગયાં, પણ આવું રૃપાળું બૈરું ભાળ્યું નથી..! પાંત્રીસ વરસમાં ઓછામાં ઓછી વીસેકને તો માનસિંહે એના ઢોલિયે પછાડી હતી, પણ આ રતની જેવું એકેય નું રૃપ નહીં..! ગામને પાદર એમના વરણના નોખા કૂવેથી પાણીની હેલ ભરીને આવતી ત્યારે રતનીના માથે છલકાતાં હાંડાની છાલક એના આરસ મઢ્યો હોય એવા સંગેમરમરી બદન પર પ્રસરતી ત્યારે એમ લાગતું કે એની ધગધગતી જવાની આ પાણીની છાલકે છાલકે ઓગળી ઓગળીને એના શરીર પરથી કમર સુધી સરી રહી છે.

માનસિંહ યાદ કરતો રહ્યોઃ રતની દસમી ભણેલી, એનો ભાઈ જીતો નિશાળમાં માસ્તરું કરે. એ હલકું વરણ એ હવે રહ્યુંં નથી, પહેલાં તો માનસિંહ સરપંચ હતો. જૂના જમીનદાર પણ ખરા, એટલે એ જ્યારે નિશાળમાં જતો ત્યારે માસ્તરોય છોકરાઓની સાથે ઊભા થઈ જતાં, પછી સરપંચની ખુરશી તો મહિલા અનામતમાં ખોવાઈ ને આ નિશાળમાં આ જીતો માસ્તર થઈને આવ્યો એટલે એ દમામ હવે રહ્યો ન હતો. જીતો માસ્તર એ નિશાળમાં પંદરમી ઑગસ્ટે ભાષણ કરતો કે માણસ એના સંસ્કારથી ઊંચો અને નીચો હોય છે, પણ જનમની જાતિથી નહીં…!

વાત તો સાચી હતી. નહિતર આ કનુ શાસ્ત્રીનો કટલો ક્યાં બામણના ખોરડે નહોતો જન્મ્યો.? પણ એના કરતાં તો આ જીતાના સંસ્કાર ક્યાંય ચઢિયાતા છે. પહેલાં કનુ શાસ્ત્રી જીવતા ત્યાં સુધી દરરોજ સવારે સૂરજ ઊગતા પહેલાં જ મહાદેવે પૂજા કરવા જતાં. એ મરી પરવાર્યા પછી તો દારૃની હેરાફેરીમાં અનેક વાર પકડાયેલો એમનો દીકરો કટલો ઉર્ફે નિલેશ તો મોડી રાત્રે દારૃ પીને આવતો ને બપોરે બાર વાગ્યે જાગતો. એ શું પૂજા કરે ધૂળ..? શાસ્ત્રીજીના સંસ્કાર એનામાં ક્યાં ઊતર્યા હતા? કેટલાય દિવસ સુધી શિવાલય અપૂજ રહ્યું પછી આ જીતા માસ્તરે જ મંદિરનું ટ્રસ્ટ બનાવી એક પગારદાર પૂજારી નિમ્યો હતો.

એ જીતો માસ્તર એટલે આ રતનીનો ભાઈ! જીતો નાનો હતો ત્યારે ગામના છોકરાઓ એને ભેગો રમાડતાંય નહીં.ગામના છેડે વાસમાં રહીને સૂકા રોટલા ખાઈ મોટો થયેલો, પણ આ જીતામાં તાકાત ઘણી હતી. નાનપણથી જ કસરત કરતો, તાલુકે ચાલતા અખાડામાં કુસ્તી શીખ્યો હતો. એ જીતો હવે વતનની જ શાળામાં શિક્ષક થયો હતો. આ રતની તો એનાથી સાત આઠ વરસ નાની..! પણ માનસિંહના મનમાં વસી ગયેલી. માનસિંહે કહ્યુંઃ ‘કરશનિયા, ઇ રતની માળી હામી મળે તાણ મીઠું-મીઠું મલકાતી જાય છે હોં..? એવું નો થાય કે ઇનું રાજીખુશીથી આપણી હારે જામી જાય..?’

‘આપણી હારે નહીં બાપુ..?’ કરશનિયો મૂછમાં હસતા બોલ્યોઃ ‘તમારી હારે જામી જાય..!’

‘મૂર્ખા, મારી હારે જ હોય ને તને શું માન્યો છે?’ માનસિંહે કરશનિયાને ગાળ દઈને કહ્યુંઃ ‘ગોલકીના વહવાયાવ.. ભારે ચઢી ગ્યા છો હોં…પણ, ઇ રતનીનું ગોઠવાઈ જાય તો મજો પડી જાય..!’

‘ઇ તો હું પત્તો લગાડી આવું..’ કરશન બોલ્યોઃ ‘મારે હાથવગો એક મારગ છે..પણ-‘

‘શું પણ-‘ માનસિંહે પૂછ્યુંઃ ‘ભસને આગળ..’

‘તમે ઇ રતનીને…’ કરશને ડરતાં ડરતાં પૂછ્યુંઃ ‘ઇને પૈણીને લઈ આવો એવું થાય..?’

‘બુદ્ધિના ભઠ્ઠ-‘ માનસિંહે કહ્યુંઃ ‘મારી પરણેતર મરી પરવારી એટલે હું ગમે ઇને પરણી લાવું? ને ઇ ય પાછી એ રતનીને..? અમે ક્યાં ને ઇ ક્યાં..હાળા અકલમઠ્ઠા..’

‘હા ઇ તો ખરું જ ને બાપુ, તમારે ઇની હારે લગન થોડાં જ કરાય.’ કરશને માનસિંહની પીઠ પર તેલ છાંટીને પસરાવતાં કહ્યુંઃ ‘પણ તમ તમારે હું કઉં છઉં ઇ સાચું માનો કે ઇ રતની હવે તમારે હાથ-વેંતમાં જ છે, ઇ તો તમારા ઉપર ઓળઘોળ થઈ ગઈ છે.’

‘અલ્યા ફરીથી મારી ઠેકડી કરેશ?’ માનસિંહે કહ્યુંઃ ‘હવે તને એક અવળા હાથની ધરીશ હોં.’

‘હાચું કઉં છઉં બાપુ.’ કરશને બેય હથેળી ફેલાવી પીઠ પર ઘસતાં કહ્યુંઃ ‘મારા સમ બસ..!’

‘ઇ તો તને લાગે.’ માનસિંહ બોલ્યોઃ ‘ઇ છોડી અઢાર વીસ વરસની ને હું પાંત્રીસ વરહનો થયો. એણે વળી મારામાં શું ભાળ્યું હોય તે મારા ઉપર મોહી પડે..?’

‘કહુ બાપુ..?’ કરશનનો હાથ પીઠમાં થંભી ગયો.

‘તે બક્યને નવરીના…’ માનસિંહે કહ્યું.

‘એક તો તમે પાંત્રીસના લાગતા નથી.’ કરશન બોલ્યોઃ ‘કોઈ પચ્ચીસ માથે એકેય વરસ આંકે તો કોરી મૂછ મૂંડાવી નાખું.’

‘તારે મૂછ મૂંડાવવા જેવું છે જ ક્યાં ઘસિયા-?’ માનસિંહે કહ્યુંઃ ‘આગળ બોલ…’

‘ને બીજું એ કે તમે દરરોજ ઉઘાડી ડેલીની સામે બેસી આખા ડિલે માલિશ કરાવો છો’ કરશન બોલ્યોઃ ‘રતની સવારે આંયથી એના કૂવે પાણી ભરવા જાય ત્યારે તમને ટીકી ટીકીને જોયા કરે છે.’

‘શું વાત કરેશ..?’ માનસિંહે ખભેથી ડોક ફેરવીને પૂછ્યું.

‘તમારી આ ઢાલવા પહોળી છાતી અને સાડા ત્રણ મણની કાયામાં જે કૌવત ભર્યા છે ઇ જોઈને ભલભલી જવાનડીઓના મનમાં વસી જાવ એમ છો, બાપુ.’ કરશને તેલનો એક લસરકો લઈને માનસિંહની ખુલ્લી છાતીએ બેય હાથ પસાર્યા પછી બોલ્યોઃ ‘આ મર્દાના છાતીમાં તગતગતી તમારી કાળી ભમ્મર જવાનીની જ એ બાઈને ભૂખ છે..ઇ જાણી લ્યો.’

‘હેં.?!’ કહેતા તો માનસિંહ જાણે ખોવાઈ ગયો. એકાદ બે પળ તો રતનીની માખણના પિંડા જેવી કાચી કાકડીસમ કૂણી કમનીય કાયાને માનસિંહ એના હાથમાં મમળાવતો હોય એમ ક્ષુબ્ધ થઈ ગયો, પણ કરશને પીઠમાં તેલવાળા હાથની જોરદાર થાપટ મારી ને માનસિંહ ઝબકી ગયો.

પીઠમાં ચચરાટી થઈ આવી એટલે બોલી ઊઠ્યો ઃ ‘અરે કરશનિયા, ધીમો પડ્ય, તારી માના ધણી..મારું ચામડું ઉતરડી નાંખીશ..તું તો..’ એકાદ પળ રોકાઈને માનસિંહે કહ્યુંઃ ‘આ કનુ શાસ્ત્રીનો કટલો કેમ આવતો નથી? ક્યાંય ગામતરે જતો રહ્યો છે કે શું..? ક્યાં ગુમ થઈ ગયો છે..?’

‘દારૃમાં બીજે ક્યાં..?’ કરશન બોલ્યોઃ ‘કનુ શાસ્ત્રી બિચારો દીકરા-દીકરીની હાય હાય કરતો મર્યો,

પછી એનો આ ઊંધાંધળ વધારે ઢીંચવા માંડ્યો.. કોઈ રોકનારું નથી રહ્યું ને..?’

‘કોઈ કહે કે બ્રાહ્મણ છે…? બ્રહ્મ રાક્ષસ છે હાળો..’ માનસિંહે ચત્તા થતાં કહ્યુંઃ ‘આંયથી જા ત્યારે એના ઘેર થાતો જાજે અને કહેજે કે મને મળે…કેદુંનો આવ્યો નથી.’

‘હમણાં આવશે ય નહીં.’ કરશને કહ્યુંઃ ‘ઇ શોકમાં છે!’

‘કાં..? ‘ માનસિંહે પૂછ્યુંઃ ‘કોઈ મરી ગ્યું છે..?’

‘એની બેન નિરુ ભાડિયા કૂવે પડીને પાછી થઈ છે.’ કરશને કહ્યું, પણ માનસિંહે તરત કહ્યુંઃ ‘લ્યા, અફીણિયા, તું દન દશા ભૂલી ગ્યો લાગેશ.. નિરુને મર્યે આજકાલ બે મહિના થાશે.’

‘હા-‘ કરશને કહ્યુંઃ ‘પણ નિરુ મરી પછી કટલો બહાર જ ઓછો નીકળે છે.’

‘ભલે પણ તું એને કહેજે કે માનસિંહે ડેલીએ પીવા બોલાવ્યો છે, એટલે આવશે.’ માનસિંહે કહ્યું પછી મનોમન સ્વગતની જેમ બોલ્યોઃ ‘બામણ પહેલાં તો મફતનું ઢીંચવા રોજ આવતો-‘ કરશને હાથ ધોઈને માનસિંહને નહાવા માટે પાણી કાઢી આપ્યું પછી નીકળી ગયો.

કરશન હતો ત્યાં સુધી હવેલીમાં બોલાશ હતો, પછી ચુપ્પી ફરી વળી. ચાર ઓરડા ઉતાર ઓસરીના વિશાળ હવેલી જેવા મકાનમાં નરી એકલતા હતી. જેને પરણીને માનસિંહ આ ઘરમાં લાવ્યો એ કુસુમ સાત જ વરસમાં બળી મરી, નિઃસંતાન હતી, આ છેલ્લા ઓરડામાં જાતે જ ઘાસલેટ છાંટીને બળી મરી..! કોઈ સામે આવીને કહેતું નહીં, પણ છાના ખૂણે લોકો વાતો કરતાં કે માનસિંહે જ એને જીવતી સળગાવી મૂકી હતી. એ સાચું નહોતું. એ તો માનસિંહ અને કુસુમ બેય જાણતાં હતાં, પણ માનસિંહની વગોવણી ખૂબ થઈ ગઈ! કુસુમના મર્યા પછી એકાદ વરસે માનસિંહે ફરી પરણવા ઝાવાં માર્યાં, પણ એની વગોવાઈ ગયેલી આબરૃએ એનું ફરી ઠેકાણે પડવા દીધું નહીં. પછી મનમાં શયતાન જાગ્યો હતો. જીવતરમાં જોઈતું પામવા માટે ઝાવાં મારી પાપ કરવા સિવાય શું બાકી હતું?

પૂર્વજોએ ગામમાં કમાયેલી આબરૃ કદાચ માનસિંહના નામ સુધી આવીને અટકી ગઈ હતી. એ બાબતથી એ જરાય અજાણ ન હતો. એની પેઢીઓમાં ગામના ધણ વાળવા કે લૂંટાતી લાજ બચાવવા માટે બલિદાનો આપનારાનાં નામ પાદરના પાળિયામાં કોતરાયાં હતાં, પણ એ બધું ય માનસિંહ સુધી આવીને અટકી ગયું હતું. એનો એને ય રંજ હતો, પણ હવે એ બદલાઈ શકે એમ ન હતો.

માનસિંહ નાહીને ઓસરીમાં આવ્યો ત્યારે ઓસરીના હીંચકે કટલો બેઠો હતો. એને જોતાં જ માનસિંહ બોલ્યોઃ ‘અલ્યા, ભૂદેવ ક્યાં ખોવાઈ ગ્યો છો?’

કટલો જવાબ આપવાના બદલે માત્ર પરાણે હસ્યો.

થોડીક વાર પછી માનસિંહ ઓરડામાંથી બંધ ગળાનું કચકચતું રજવાડી પહેરી બહાર નીકળ્યો ત્યારે એના હાથમાં એક બોટલ અને બે ગ્લાસ હતા. કટલાની સામે બેસતા જ માનસિંહે બોટલ ખોલી પણ કટલો બોલ્યોઃ ‘માનસિંહ, અટાણે પીવું નથી..’

‘કાં..?’

‘સવારના પહોરમાં શું પીવે.?’ કટલાએ ફિક્કા ચહેરે કહ્યંુઃ ‘હવે તો સાંજે ય પીવાનું છોડી દીધું.’

‘તું તો ત્યાગી માત્મા થઈ ગ્યો..

બામણ-‘ માનસિંહે એક ગ્લાસમાં પેગ ભરતાં કહ્યુંઃ ‘ક્યાં ગયો હતો. કેમ દેખાતો નહોતો? આટલા દન સુધી..?’

‘ઘરમાં પૂરાઈ રહેતો હતો.’ કટલો બોલ્યોઃ ‘ખરું કહું તો ક્યાંય ગમતું નથી.’ કટલો રડમસ થઈ ગયોઃ ‘નિરુ કૂવે પડી ત્યારથી જીવને નિરાંત થતી નથી.’

‘ઇમાં તારો જ વાંક છે કટલા.’ માનસિંહે કહ્યુંઃ ‘કનુ મારાજ દેવ થઈ ગ્યા પછી તું ઢીંચવામાં જ રિયો, નિરુને તારે ટેમસર પૈણાવી દેવી જોઈએ ને?’ માનસિંહે ઘૂંટ ભરી ગ્લાસ નીચે મૂકતા કહ્યુંઃ ‘એને બિચારીને તારામાં વિસવાહ નહીં કે આ દારૃડિયો ભૈ પૈણાવશે નહીં. એટલે કૂવે પડી.’

‘પણ માનભા, એને હું પૈણાવત.સારું ઠેકાણું જોઈને પૈણાવત.’ કટલો બોલ્યોઃ ‘પણ નિરુ મરી ગઈ ઇ ભૂલાતું નથી મારાથી. મારો બાપ મને સરગમાં પૂછશે તો શું જવાબ આપીશ કે એણે સોંપી ઇ જવાબદારી નિભાવવામાં હું દારૃડિયો નકામો ઠર્યો…!’ કટલો રડી પડ્યો.

‘ભગવાનની મરજી હોય ઇમ થાય કટલા-‘ માનસિંહે એની સામે ગ્લાસ ધરીને કહ્યુંઃ ‘લે ગળું લીલું કરી લે. વધારે પીવાની તાણ્ય નથી કરતો બસ.’ -ને કટલો આંખો મીંચીને કડવી દવાની જેમ ચૂપચાપ ગ્લાસ ગટગટાવી ગયો. અરધી કલાક બેઠો, પણ સાવ મૂંગો મંતર બનીને, પછી ચૂપચાપ ડેલીએથી ઊઠીને નીકળી ગયો. માનસિંહ ચારેક પેગ પી ચૂક્યો હતો. આંખો ઘેરાવા માંડી હતી. આખી ય હવેલી ગોળાકાર ફરતી હતી. આસપાસ સઘળું ડોલતું હતું. ખાલી પેટે નશો વધતો જતો હતો. એ ઓરડામાં આવીને ઊંઘી ગયો. છેક સાંજ સુધી એનો નશો ઓસર્યો ન હતો, જ્યારે સાંજે કરશન આવ્યો ત્યારે માનસિંહ હજી જાગીને જ બેઠો હતો.

કરશને પૂછ્યુંઃ ‘બહુ પીવાઈ ગયું બાપુ..?’

‘હા-થોડું વધારે થઈ ગ્યું.’ માનસિંહ બોલ્યોઃ ‘માથું ભમે છે…’

‘બહુ રાજી થઈ જાશો ઇ ખબર લાવ્યો છઉં બાપુ-‘ કરશને કહ્યુંઃ ‘આજે ન્યાલ થઈ ગ્યા માનો.’

‘શું..?’ બોલતા બોલતા માનસિંહના સ્મૃતિપટ પર રતની દોડી આવી ને અલોપ થઈ ગઈ. કરશન બોલ્યોઃ ‘બાપુ રતની માની ગઈ છે, ઇ તમારી જૂની હવેલીએ આવવા રાજી છે, પણ આંય આ બંગલે નહીં.’

‘કાં..?’ માનસિંહ બોલ્યોઃ ‘આંય શું કામ નહીં..?’

‘બાપુ એ કહેતી હતી કે જૂની હવેલી ગામ બહાર છે, ને તમારું આ નવું ઘર ગામ વચ્ચાળે છે, આંય અંદર આવતી જતી કોઈ ભાળી જાય તો મરો થઈ જાય.’ કરશને કહ્યંુઃ ‘બાપુ આપણે ઇનું ય વિચારવું પડે ને? કાચી કુંવારી છોકરી છે. વગોવાઈ જાય તો એની ન્યાત માં ય એનો કોઈ હાથ નો ઝાલે..!’

‘તને કૂણે કીધું કે રતની આવશે..?’ માનસિંહે શંકાથી કરશનને પૂછ્યું. કરશને કહ્યંુઃ ‘મેં તમને નહોતું કીધું કે મારે હાથવગો મારગ છે. ઇ મારગે કામ પત્યું. આજ રાત્યે તમે ને રતની હૈન જલસા…’

‘ને જીતાને ખબર પડશે..તો?’ માનસિંહે કહ્યુંઃ ‘હું કાંઈ બીતો નથી એનાથી પણ-‘

‘જીતો ગામમાં નથી, એટલે જ રતની તૈયાર થઈ છે.’ કરશને કહ્યુંઃ ‘ઇ તો ગાંધીનગર માસ્તરોની મિટિંગમાં ગ્યો છે. કાલ્ય બપોર ઊતર્યે આવશે.’

‘તંયે તો કરશનિયા આંકડે મધ અને ઇ યે પાછું માખિયું વન્યાનું…’ માનસિંહે કરશનની સામે આંખ મારતાં કહ્યુંઃ ‘કાલની સવારે આ બિલ્લી મારીને આવું પછી તો તને ય રાજી કરીશ.’

‘બાપુ રતનીએ ય પૈસા ઠેરાવ્યા છે હોં…’ કરશને કહ્યુંઃ ‘અને એ પણ રાત પહેલાં..’

‘કેટલા..?’ માનસિંહે પૂછ્યું.

‘આખી રાત રોકાણ કરશે.’ કરશને કહ્યું ઃ ‘ઇણે તો એક લાખ કીધા છે.’

‘એટલા બધા હોય બળદિયા…’ માનસિંહ અકળાયો, પણ કરશન ઝીણી આંખે બોલ્યોઃ ‘બાપુ ઇ કાચી કુંવારી છોકરી છે, ઇ તો વૈચાર કરો. ન્યાલ થઈ જાશો બાપુ… તમારે ક્યાં રૃપિયાની તાણ છે?’

‘હા, કરશનિયા-‘ માનસિંહ નશામાં હોય એમ બોલ્યોઃ ‘ઇ રૃપને માણવા હારુ તો દોઢ લાખેય મોંઘા નહીં પડે. લઈ જા તું તારે લાખ, પણ આજની રાત ઇ છટકવી ના જોઈએ…’

‘નહીં છટકે બાપુ…’ કહી કરશન માનસિંહે આપેલા લાખ રૃપિયા લઈને ગયો. રાત્રે નવ વાગ્યે જૂની હવેલીએ જવાનું હતું. આ કરશન ત્યાં વ્યવસ્થા કરવા જૂની હવેલીની ચાવી લઈ ગયો હતો!

રાતના નવ વાગ્યા સુધી માનસિંહ ઘડિયાળની આસપાસ ફરતો રહ્યો. ગામડા ગામમાં સાવ સોપો પડી ગયો હતો. અરધી રાત જેવું સૂનકાર હતું, ત્યારે માનસિંહ કાળી કામળી ઓઢીને જૂની હવેલીએ જવા નીકળ્યો. એક સાથે બે ફલાંગ ભરતો જૂની હવેલીએ પહોંચ્યો ત્યારે હવેલીમાં ઉપરના કમરામાં લાઇટ ચાલુ હતી. કરશન ઓસરીના જેરે જ બેઠો હતો. એ ધીમા અવાજે બોલ્યોઃ ‘બહુ મોડા બાપુ, ઓલી રતની તો ક્યારનીય આવી ગઈ છે… જાવ જલદી…’

‘તું આંય પહાયતો થૈને ખોડાઈ રે જે..પાછો..’ માનસિંહે કહ્યુંઃ ‘કોઈ આવે તો સંજ્ઞા કરજે…’

‘તમે ચિંતા વિના ફતેહ કરો…’ કરશને કહ્યુંઃ ‘જાવ મોજ કરો તમ તમારે…’

માનસિંહ એકસાથે બે પગથિયાં ચઢતો જૂની હવેલીના ત્રીજા માળે

પહોંચ્યો ત્યાં જ કરશનને એક રાડ સંભળાઈ.એ રાડ માનસિંહની હતી.

‘હરામખોર..!’ એ શબ્દો સાથે માનસિંહના ગાલ પર જોરથી વિંઝાયેલી એક થપ્પડથી પછડાઈ ગયેલા માનસિંહે એની સામે ઊભેલા ઓળા તરફ જોયું તો એ જીતો હતો. માનસિંહ ગભરાઈ ગયો.જીતાની આંખોમાંથી અંગારા વરસતા હતાઃ ‘પાપિયા, આજ તું મર્યો મારા હાથે.’

‘ના..જીતા..’ પાછળના બારણેથી બુકાની છોડતા કટલો બહાર આવ્યોઃ ‘આ નરાધમને તો હું પૂરો કરીશ.’

‘કટલા તું..?’ માનસિંહ બોલ્યોઃ ‘મારા ભેરુબંધ..ભાઈબંધ ઊઠીને તું..?’

‘ચૂપ કર નરાધમ…’ કટલો બોલ્યોઃ ‘ભાઈબંધ શબ્દ તારા મોઢે શોભતો નથી. ભાઈબંધની બહેન એ તો આપણી બહેન. તેં મારી મા જણી બહેન નિરુને બરબાદ કરી. ને એને કૂવો પૂરવાનો વારો આવ્યો એ એણે મને મરતાં પહેલાં કીધું હતું.’

‘જીતો એ તો દશમન ને કટલો તો ભાઈબંધ અરે, હું તો તારો રાત દાડાનો સેવક.’ કરશન પણ હાથમાં કટારી લઈને દાખલ થયોઃ ‘આ રાક્ષસે મારી સગ્ગી ફોઈને લૂંટીને વેશ્યાવાડે પહોંચાડી દીધી.’

‘કરશનિયા તું..? હાળા ખૂટલ…!’ માનસિંહ કરશનને મારવા દોડ્યો, પણ જીતાએ એના પગમાં હોકી ફટકારી એટલે ગોથું ખાઈ ગયો. લોહી નીંગળતા પગે કણસતો માનસિંહ ફરસ પર આળોટી ગયો!

‘ખરો ખૂટલ તો તું છો નરાધમ. એક ઘર તો ડાકણે ય છોડે છે તું તો એમાંથી ય ગ્યો.’ કરશન બોલ્યોઃ ‘દીકરી તો વણકરની હોય કે બામણની, આબરૃ બધાયની સરખી નરાધમ, તને તો આંય પૂરો કરવો હતો એટલે હું તારી ભેળો રહ્યો, તારા અપમાન સહ્યાં. મારો રામ મને નહીં છોડે કે તારા કેટલાંય પાપમાં હું ય તારો ભાગી થયો, પણ હવે તને ઠામ પહોંચાડી પછી આ તારા લાખ રૃપિયાથી તારી ખાંભી ચણાવીશ.’

-ને માનસિંહે બચવા માટે દોટ મૂકી. છેક હવેલીની એક તરફ આવેલી ખુલ્લી બારીના વાદળી કાચ તોડીને એ દોડતો હવેલીના એ ત્રીજા માળે ખુલ્લી બારીમાંથી નીચે કૂદ્યો, પણ એના પટકાયેલા શરીરમાં પ્રાણ નહોતો રહૃાો. પછી બે ચાર પળોમાં હવેલીની બત્તીઓ બુઝાઈ ગઈ..!!

-અને ત્રણ માનવ ઓળાઓ ગામ તરફ વહેતા થયા.

——————————–.

You might also like