ખોખરા-સારંગપુર રેલવેબ્રિજ પણ જર્જરિત હાલતમાં

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ અને બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજના કુલ રૂ.૧૨.૭૭ કરોડના ખર્ચે નવીનીકરણની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આની સાથેસાથે વર્ષોજૂના ખોખરા રેલવેબ્રિજ અને સારંગપુર રેલવે ઓવરબ્રિજ પણ જર્જરિત હાલતમાં હોઈ આ બંને રેલવે ઓવરબ્રિજના નવીનીકરણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવનારા સમયમાં આ બંને બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિછે.

ખોખરા રેલવે ઓ‍વરબ્રિજ વર્ષ ૧૯૬૦માં અને સારંગપુર રેલવે ઓવરબ્રિજ તેનાથી પણ ૨૦ વર્ષ જૂનો હોઈ વર્ષ ૧૯૪૦માં ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો. કોર્પોરેશન દ્વારા રિસ્ટોરેશનની કામગીરી માટે ફિઝિબિલિટી સ્ટડી કરી અંદાજ બનાવી ટેન્ડર તૈયાર કરવા તેમજ જે તે પ્રોજેક્ટના થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે કસાડ કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ છે. મ્યુનિ. સત્તાવાળાએ છેક ગત તા.૨૩ મે, ૨૦૧૩થી કસાડ કન્સલ્ટન્ટને પ્રોજેક્ટ કોસ્ટના ૧.૪૦ ટકા તથા સર્વિસ ટેક્સની ફી સાથે વર્કઓર્ડર આપ્યો છે.

જોકે કસાડ કન્સલ્ટન્ટ દ્વારા ચાર પૈકી બે રેલવેબ્રિજના અંદાજ તૈયાર કરાતાં વિવાદ સર્જાયો છે. આ કન્સલ્ટન્ટે ત્રણ વર્ષ બાદ માત્ર બે રેલવેબ્રિજના અંદાજ તૈયાર કર્યા છે, જોકે ખોખરા અને સારંગપુર રેલવેબ્રિજ પણ વરસાદ તેમજ હવામાનની અસરથી નુકસાનગ્રસ્ત થયા છે. બ્રિજના બીમમાં કોંક્રીટ તૂટી ગયું હોઈ સળિયા ખુલ્લા થયા છે. આ બાબતો સ્થાનિક રહીશો અને બ્રિજનો ઉપયોગ કરનારા વાહનચાલકો માટે ભયજનક છે.

રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ કહે છે, ‘કસાડ કન્સલ્ટન્ટને આ બંને રેલવેબ્રિજના અંદાજ તૈયાર કરવાની પણ કામગીરી સોંપાઈ હોઈ આગામી િદવસોમાં ખોખરા અને સારંગપુર રેલવેબ્રિજનું પણ નવીનીકરણ કામ હાથ ધરાશે.

You might also like