હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે ખોડલધામનાં ટ્રસ્ટી મધ્યસ્થી બનવા તૈયાર

રાજકોટઃ હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ મામલે આજે સતત 13મો દિવસ છે. ત્યારે ગુજરાતનાં રાજકારણમાં કંઇક નવા જૂની થશે તેવાં એંધાણ પણ બનતા નજરે જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે હાર્દિકનાં ઉપવાસને લઇ છેલ્લાં 13 દિવસથી સતત અન્ન વગર રહેતા આજે અશક્તિને લઇ હાર્દિકે વ્હીલચેરનો પણ સહારો લેવો પડ્યો હતો.

જો કે હાર્દિક પટેલ હજી પણ પોતાની માંગ પર અડગ છે. હાર્દિકને ઉપવાસ મામલે અને એમાંય તેનાં મુદ્દા જેવાં કે અનામત અને ખેડૂતોની દેવા માફીને લઇ હવે એક પછી એક લોકોનું સમર્થન પણ મળતું જાય છે. જેમાં વિવિધ સામાજિક સંગઠનો અને કોંગ્રેસનું પણ હવે વધુમાં સમર્થન મળવા લાગ્યું છે.

ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે આપ્યાં સંકેતઃ
હાર્દિક પટેલનાં ઉપવાસનો સુખદ અંત આવે તેવાં સંકેત આજે નરેશ પટેલે આપ્યાં છે. નરેશ પટેલ ખોડલધામનાં ટ્રસ્ટી છે. ત્યારે તેઓએ સરકાર અને PAASની ઇચ્છા બાદ મધ્યસ્થિ બનવા માટેની તૈયારી દર્શાવી છે. સરકાર ચાહે તો નરેશ પટેલ મધ્યસ્થિ કરવા તૈયાર છે. મહત્વનું છે કે બીજી બાજુ આવતી કાલે નરેશ પટેલ હાર્દિક સાથે મુલાકાત પણ કરશે. નરેશ પટેલ આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ કરશે. હાર્દિક પટેલ સાથેની મુલાકાતને લઇને પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

કોંગ્રેસે સરકારને કરી હતી રજૂઆતઃ
કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે આજે મુખ્યમત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલન અને ખેડૂતોનાં દેવા માફી મુદ્દે સીએમને રજૂઆત કરી હતી. આ સાથે જ કોંગ્રેસે રૂપાણી સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. તેમજ નિવેદન આપતા જણાવ્યું કે જો સરકાર આ મામલે કોઇ જ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ આવતી કાલે સવારે 11 વાગ્યેથી રાજ્યભરમાં 24 કલાકમાં ઉપવાસ આંદોલન ચલાવશે. સરકારની ખેડૂત વિરોધી નીતિનો પણ કોંગ્રેસ વિરોધ કરશે.

You might also like