ખેતલાઆપા, દ્વારકાધીશ ટી સ્ટોલ અાખરે બંધઃ હવે બુલડોઝર ફેરવાશે

અમદાવાદ: એસજીહાઇવે પર કર્ણાવતી કલબની સામે ટ્રાફિકને અવરોધરૂપ અને ગંદકી ફેલાવતા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતનાં છ-સાત ગેરકાયદે એકમોને અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવા છતાં તેનો ધમધમાટ ચાલુ રહેતાં તંત્ર દોડતું થયું હતું અને ફરીથી તેને સીલ મરાયા હતા, જોકે હવે સત્તાવાળા કહે છે કે, આ તમામ ગેરકાયદે ધંધાર્થીઓને કાયદાનો પાઠ ભણાવવા માટે બુલડોઝર ફેરવી કાયમીરૂપે ત્યાથી દૂર કરાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતના છૂટાછવાયા કાચા બાંધકામ ધરાવતાં છ-સાત ધંધાર્થીઓને બે દિવસ પહેલાં સીલ મરાયું હતું, પરંતુ આ એકમોના માલિકોએ તંત્રના સીલની એસીતૈસી કરી પોતાનો ધંધો ચાલુ રાખ્યો હતો. આ બાબતથી એસ્ટેટ વિભાગ બેખબર હતો. જોકે આ મામલે ઊહાપોહ થવાથી અધિકારીમાં દોડધામ મચી ગઇ હતી. ગઇ કાલે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફરીથી આ એકમોને સીલ મરાયા હતા.

આ અંગે પૂછતાં નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહ કહે છે કે હાલ તો આ એકમોને ફરીથી સીલ મરાયા છે જોકે તંત્ર પોલીસ બંદોબસ્ત મેળવવાની તજવીજમાં છે. પોલીસ બંદોબસ્ત મેળવ્યા બાદ આ તમામ ગેરકાયદે એકમોને દૂર કરી એસજીહાઇવે પરના ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરાશે.
http://sambhaavnews.com/

You might also like