ખેલ મહાકુંભ છતાં રાજ્ય-રમત કબડ્ડીની હાલત કંગાળ

આઈપીએલની તર્જ પર રાષ્ટ્રીય સ્તરે કબડ્ડી લીગ રમાઈ રહી હોવાથી કબડ્ડી પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે. કબડ્ડી એ ગુજરાતની રાજ્ય-રમત હોવા છતાં અને ખેલ મહાકુંભનાં તોતિંગ આયોજનો બાદ પણ તેના પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે.

‘કબડ્ડી.. કબડ્ડી..’ની ગુંજ અને તરવરાટ સાથે મેદાનમાં કબડ્ડી રમતાં યુવાનોને જોવા આજના વાઈ-ફાઈ યુગમાં દુર્લભ બન્યું છે. અગાઉ ગામડાંની શાળાઓમાં વ્યાયામ શિક્ષક વિદ્યાર્થીઓને મેદાનમાં ભેગા કરીને કબડ્ડી જેવી રમતો રમાડતાં. હવે આ સમય ભૂતકાળ બની ચૂક્યો છે. મોબાઈલમાં ખોવાયેલી રહેતી આજની યુવા પેઢી પરંપરાગત રમતોથી દૂર થઈ રહી છે. બીજી બાજુ સરકાર દ્વારા પણ આવી રમતોને ખાસ મહત્ત્વ નથી અપાતું. કોર્પોરેટ ગ્રુપો ક્રિક્રેટ સિવાય અન્ય કોઈ રમતને પ્રોત્સાહન આપતાં નથી એટલે કબડ્ડી જેવી રમતો મૃતઃપ્રાય અવસ્થામાં ધકેલાઈ ગઈ છે.

રાજ્ય-રમતની હાલત ઉપેક્ષિત
હૉકી આપણી રાષ્ટ્રીય રમત છે, તેમ કબડ્ડી ગુજરાતની રાજ્ય-રમત છે. ગુજરાતમાં ૧૯ જાન્યુઆરી, ર૦૧પથી ખેલ મહાકુંભ શરૂ કરવાની તૈયારીઓ આરંભાઈ છે. જે માટે ૧૦ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલુ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ૧૭,૭૨૦ જેટલા ખેલાડીઓએ કબડ્ડીની રમત માટે રજિસ્ટ્રેશન પણ કરાવી દીધંુ છે, ત્યારે કંગાળ બનેલી કબડ્ડીની રમત પ્રત્યે પણ ધ્યાન દોરવું જરૂરી છે. હવે આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ)ની તર્જ પર દેશમાં પીકેએલ (પ્રો કબડ્ડી લીગ)નું આયોજન કરવામાં આવે છે, ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેલાડીઓએ ક્રિકેટમાં કૌવત બતાવ્યું તેમ કબડ્ડીમાં પણ પ્રતિભા બતાવી શકે તેમ છે. ગુજરાતના યુવાનોમાં ભરપૂર ટેલેન્ટ છે, પરંતુ તેને બહાર લાવવાની જરૂર છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં કબડ્ડી માટે સારાં મેદાનો નથી અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટે સારા કોચનો પણ સદંતર અભાવ છે.

પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત ચિત્રની બહાર
ક્રિકેટમાં યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા યોજવામાં આવતી આઈપીએલની પેટર્ન મુજબ ભારતમાં કબડ્ડીને પ્રોત્સાહન આપવા માટે પ્રોફેશનલ કબડ્ડી લીગ (પીકેએલ)ની શરૂઆત ર૦૧૪થી કરવામાં આવી છે. આઈપીએલની જેમ જ કબડ્ડી લીગમાં પણ ટીમો નક્કી થાય છે અને ખેલાડીઓની હરાજી થાય છે. હાલ દેશનાં આઠ શહેરો કોલકાતા, બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, જયપુર, પટણા, પૂણે, હૈદરાબાદ અને મુંબઈની ટીમો આ લીગમાં સમાવેશ પામી છે. અફસોસની વાત એ છે કે, કબડ્ડી ગુજરાતની રાજ્ય-રમત હોવા છતાં ગુજરાતનાં એક પણ શહેરની ટીમ આ લીગમાં સ્થાન પામી શકી નથી. કબડ્ડી માટે રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત પ્લેટફોર્મ ઊભું થયું હોવા છતાં ગુજરાત સરકાર, કોઈ કોર્પોરેટ કંપની કે સેલિબ્રિટીઓએ ગુજરાતની કોઈ ટીમ અંગે ઉત્સાહ દાખવ્યો નથી. પરિણામે ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ આ રમતથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

પ્રો કબડ્ડી લીગમાં સેલિબ્રિટીઓએ પણ ઝૂકાવ્યું છે. અભિનેતા અભિષેક બચ્ચન જયપુરની ટીમ ‘પિંક પેન્થર’નો માલિક છે અને ટીમને જાતે જ પ્રમોટ કરી રહ્યો છે. તો લાલકૃષ્ણ અડવાણીએ દિલ્હીની અને સુશીલકુમાર મોદીએ પટણાની ટીમ સાથે તસવીરો પડાવીને બળ પૂરું પાડ્યું છે. ગુજરાતમાં ખેલ મહાકુંભનાં આયોજન પાછળ મોટો ખર્ચ કરાય છે ત્યારે રાજકીય નેતાઓ કબડ્ડીના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેવાં પગલાં ભરશે ખરા? ગુજરાતના કબડ્ડીના ખેલાડીઓ નિરાશા સાથે કહે છે કે, ‘કબડ્ડી લીગ માટે ગુજરાતી ટીમ ઊભી ન કરી તે બાબત અફસોસજનક છે.’

મહારાષ્ટ્રને ૨૦, ગુજરાતને એક મેડલ
સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ રમતોની રાષ્ટ્રીય સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે. કબડ્ડીમાં ૧૪, ૧૭ અને ૧૯ વય જૂથમાં બોય્ઝ અને ગર્લ્સ એમ અલગ-અલગ છ શ્રેણીઓમાં સ્પર્ધા યોજાય છે, જેમાં તમામ રાજ્યો ભાગ લે છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રની રાજ્ય-રમત પણ કબડ્ડી જ છે, પરંતુ સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઈટ પરનાં છેલ્લાં ૯ વર્ષનાં પરિણામો પર નજર કરીએ તો મહારાષ્ટ્ર કબડ્ડીની રમતમાં ગુજરાત કરતાં ૨૦ ગણું આગળ છે. ૨૦૧૪-૧૫માં અન્ડર-૧૭ બોય્ઝમાં ગુજરાતે બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર દર વર્ષે બે મેડલ નિશ્ચિતપણે જીતે છે. આમ કબડ્ડીની રમતમાં મહારાષ્ટ્ર કરતાં ગુજરાતનું પ્રદર્શન કંગાળ છે.

કબડ્ડી એસો.ને કોઈ સહાય મળતી નથી

કબડ્ડીની રમત માટે રાજ્યમાં ખેલ મહાકુંભને બાદ કરતાં કોઈ અલાયદી સ્પર્ધા યોજાતી નથી. ગુજરાત કબડ્ડી એસોસિયેશન પોતાની રીતે અનુદાન મેળવીને દર વર્ષે સ્પર્ધાનું આયોજન કરે છે. આ માટે ત્રણ વર્ષથી રાજ્ય સરકાર સમક્ષ ફંડની માગણી પણ કરાય છે, પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની સહાય કરતી નથી તેવો આક્ષેપ એસોસિયેશનના પ્રમુખ જસવંતસિંહ સોલંકીએ કર્યો હતો.

રાજ્યમાં કબડ્ડીની રમત અંગે સોલંકી કહે છે, ‘એક સમયે કબડ્ડીની રમત રાજ્યમાંથી નામશેષ થવાના આરે આવી ગઈ હતી. જોકે હવે કબડ્ડીની લીગ મેચો યોજાવાના અને તેનું ટીવી પર પ્રદર્શન થવાને કારણે ગુજરાતનાં બાળકો ફરીથી કબડ્ડી તરફ વળ્યાં છે. બાળકોને પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે. શાળા કક્ષાએ કબડ્ડીની રમત અંગે પૂરતંુ ધ્યાન અપાતંુ નથી. હકીકતમાં કોઈ પણ રમતનો પાયો શાળા કક્ષાએથી મજબૂત હોવો જોઈએ. જુનિયર લેવલે અગ્રક્રમે રહેતાં બાળકો પ્રોત્સાહનના અભાવે પાછળ રહી જાય છે.’

સોલંકી વધુમાં કહે છે, ‘રાષ્ટ્રીય કક્ષા માટે કબડ્ડીના ખેલાડીઓ તૈયાર કરવા સારા કોચિંગની જરૂર પડે છે. ગુજરાતમાં કબડ્ડીના કોચ આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. અમારા એસોસિયેશન દ્વારા દર વર્ષે જુનિયર, સિનિયર અને ઓપન એમ ત્રણ કેટેગરીમાં બોય્ઝ અને ગર્લ્સની સ્પર્ધાઓ યોજીએ છીએ. જે માટે સ્થાનિક લોકો પાસેથી ખર્ચ ઉઘરાવીએ છીએ. હકીકતમાં આ જવાબદારી રાજ્ય સરકારની છે. સરકારે આ માટે ફંડ પૂરું પાડવું જોઈએ. છેલ્લાં ત્રણેક વર્ષથી ફંડની માગણી છતાં સરકાર કોઈ મદદ કરતી નથી.’

વ્યાયામના શિક્ષકોની ભરતી જ બંધ!
ખેલ મહાકુંભના વિશાળ આયોજનથી સરકાર ભલે સ્પોટ્ર્સ પ્રત્યે જાગૃત હોવાનો ડોળ કરતી હોય, પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી શાળાઓમાં વ્યાયામના શિક્ષકોની ભરતી જ બંધ કરી દેવાઈ છે. આ બાબત જ સાબિત કરે છે કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સરકાર રમત-ગમતમાં ઓછો રસ દાખવે છે. શાળાઓમાં વ્યાયામના શિક્ષકોનો મોટાપાયે અભાવ હોવાથી શાળાકીય સ્તરેથી જ વિદ્યાર્થીઓમાં સ્પોટ્ર્સનો અભાવ છે. વ્યાયામના શિક્ષકોની ભરતી બંધ હોવાથી સીપીએડ ડીપીએડ (સર્ટિફિકેટ-ડિપ્લોમા ફિઝિકલ એજ્યુકેશન) કરનારા બેકાર બન્યા છે. બીજી તરફ આવા અભ્યાસક્રમમાં ઍડમિશન લેનારાઓની સંખ્યા પણ ઘટી રહી છે જે ચિંતાજનક બાબત છે.

કબડ્ડીના કોચનો અભાવ
ત્રણ વર્ષથી નેશનલ લેવલે કબડ્ડીમાં ભાગ લેનારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી રાહુલ બારડ કહે છે, ‘મહારાષ્ટ્ર એ કબડ્ડીની રમતનું હબ છે. નેશનલ લેવલે સૌથી વધુ ખેલાડીઓ મહારાષ્ટ્રના રમે છે અને એવોર્ડ મેળવે છે. ગુજરાતમાં કબડ્ડીના ખેલાડીઓને મહારાષ્ટ્રની સરખામણીએ સરકાર દ્વારા ઓછું પ્રોત્સાહન મળે છે. ખેલાડીઓને સારા કોચિંગનો પણ અભાવ છે. સૌરાષ્ટ્રમાં તો કબડ્ડીના કોઈ કોચ જ નથી. ટુર્નામેન્ટ રમવા જવાની હોય ત્યારે ખેલાડીઓને કિટ અપાતી નથી કે રહેવાની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. જોકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જુદી જુદી રમતો માટે પ૦ જેટલા કોચની ભરતી માટે જાહેરાત આપીને કાર્યવાહી શરૂ કરી એ થોડીક રાહત લઈ શકાય તેવી બાબત છે. અન્ય રાજ્યોમાં સ્પોટ્ર્સ ક્વોટા હેઠળ પણ ભરતીઓ થાય છે, જેનો ગુજરાતમાં અભાવ જોવા મળે છે. કબડ્ડીના ખેલાડીઓને ક્યાંયથી પ્રોત્સાહન મળતું ન હોઈ કબડ્ડીની રમતને નુકસાન થઈ રહ્યું છે.’

રાજ્યમાં કબડ્ડીની એકડમી જ નથી!
ગુજરાતમાં વિવિધ રમતો માટેની કુલ ૧૩ એકેડમીઓ અસ્તિત્વમાં છે. જેમાં એથ્લેટિક અને બાસ્કેટ બોલની બે-બે એકેડમી છે, જ્યારે હોકી, શૂટિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન, જુડો, વોલીબોલ, આર્ચરી, ટેબલ-ટેનિસ અને ફૂટબોલની એક-એક એકેડમી છે. આ તેર એકેડમીમાં કુલ ૧૧૯ કોચ છે, જે ૨૧૦ બહેનો સહિત કુલ ૩૨૯ ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે. જોકે આશ્ચર્યજનક રીતે રાજ્ય-રમત એવી કબડ્ડીની જ કોઈ એકેડમી અસ્તિત્વમાં નથી. આ બાબતે સરકારે તુરંત ધ્યાન આપવું જોઈએ.

સરકારનું પ્લાનિંગ મેદાનમાં કેટલું સાર્થક?
અખિલ ભારત બાળ રમત મહામંડળ દ્વારા જુદીજુદી બાળ રમતોનું રાજ્ય અને જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે. જેમાં ખો-ખો, કબડ્ડી, વોલીબોલ જેવી રમતો વોર્ડ કે તાલુકા કક્ષાએ પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવનું દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે આ આયોજન કરવામાં આવે છે. દશેરાના દિવસે પણ ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થાય છે. જોકે પ્રચાર-પ્રસારના અભાવે તેની માહિતી લોકો સુધી પહોંચતી નથી. આયોજનોમાં સરકાર દ્વારા જેટલી કાળજી લેવી જોઈએ તેટલી લેવાતી ન હોવાનું રાજ્યનાં રમત-ગમત વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે
કબડ્ડીની રમત માટે માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહનના અભાવ વચ્ચે પણ અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે કૌવત બતાવી ચૂક્યા છે. જેમાં રાજકોટના રાહુલ બારડ, કોડિનારના જયેશ મોરી સહિત અનેકનું યોગદાન છે. રાજકોટ (ગ્રામ્ય) જિલ્લાના રમત-ગમત અધિકારી એસ.ડી. વ્યાસ કહે છે, ‘ગત વર્ષે ઓક્ટોબર માસમાં આણંદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ખેલ મહાકુંભથી રમત ક્ષેત્રે ખેલાડીઓનો ઉત્સાહ વધી રહ્યો હોઈ કબડ્ડી પ્રત્યે વિચારવું જોઈએ.’

પ્રો કબડ્ડી લીગથી કબડ્ડીને નામ અને દામ મળી રહ્યાં છે, ત્યારે રાજ્ય-રમત એવી કબડ્ડી પ્રત્યે સરકારે ધ્યાન આપીને તથા કોર્પોરેટ્સના સહયોગથી પૂરતી સુવિધાઓ ઊભી કરાવે તો નજીકના ભવિષ્યમાં ગુજરાતની ટીમ પણ લીગ મેચો રમતી જોવા મળી શકે.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મેદાનોનો અભાવ
‘આપણે ત્યાં હજુ કબડ્ડી માટીના મેદાનમાં અને ખુલ્લા પગે રમાય છે, જ્યારે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ રમત ઇનડોર સ્ટેડિયમમાં મેટના તૈયાર કરાયેલા મેદાનમાં શૂઝ પહેરીને રમાય છે. જેને ધ્યાને લઈ આપણે પણ કબડ્ડીની રમતમાં ફેરફાર કરવાની જરૂર છે. જોકે રાજ્યમાં આવા મેદાનનો અભાવ છે. ગુજરાતના ખેલાડીઓને ઉચ્ચ કક્ષાએ કબડ્ડી રમવામાં મેદાનનો તફાવત નડે છે. શૂઝ પહેરીને તથા પહેર્યા વગર આ રમત રમવામાં ઘણો ફેર પડી જાય છે. શાળા કક્ષાએથી જ આ ફેરફાર કરવો જોઈએ. રાજ્ય સરકાર માત્ર સૂચનાઓ આપીને છૂટી જાય છે. બજેટ પણ ઓછું ફાળવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ હોય છે. કબડ્ડીની રમત માટે વિવિધ કક્ષાએ કોચિંગ કેમ્પનું આયોજન થવું જોઈએ. ખેલાડીઓ અને કોચને અપાતા સરકારી ભથ્થાંમાં પણ વધારો થવો જોઈએ તેમ સુરતની ધારૂકાવાલા મહિલા આટ્ર્સ કોલેજના સ્પોટ્ર્સ શિક્ષક અમિતભાઈએ કહ્યું હતું.

ખેલ મહાકુંભમાં લાખો ખેલાડીઓ રમતાં નથી
પાંચ વર્ષથી રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ સારો છે, પરંતુ ખેલ મહાકુંભ પૂરો થતાં જ શાળા-કૉલેજ સ્તરે રમત પ્રવૃત્તિઓ પર પડદો પડી જાય છે. ખેલ મહાકુંભના ર૦૧૦થી ર૦૧૪ના આંકડા જોતાં જણાયું કે, દર વર્ષે નોંધણી કરાવનારા અને વાસ્તવિક રીતે રમનારા ખેલાડીઓનો તફાવત લાખોનો હોય છે. તંત્ર કે શાળાકીય સ્તરેથી દબાણ થતાં ખેલાડીઓ રજિસ્ટ્રેશન તો કરાવી દે છે, પરંતુ રમતમાં ભાગ લેતાં નથી. ર૦૧૪માં ૩પ,૬ર,પપ૯ રજિસ્ટ્રેશન સામે ર૮,પપ,૯૪૭ ખેલાડીઓએ જ ભાગ લીધો હતો. ર૦૧૩માં પણ રજિસ્ટ્રેશન બાદ ભાગ ન લેનારા ખેલાડીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. ચાલુ વર્ષે સરકારે પ૦ લાખ લોકોના રજિસ્ટ્રેશનનો અંદાજ મૂક્યો છે.

સુવિધાઓની ઊણપ છે તે વાત સાચી છે. સ્પોટ્ર્સ ઓથોરિટીનું ગાંધીનગર ખાતે કબડ્ડીની રમત માટેનું રાષ્ટ્રીય કક્ષાનું ગ્રાઉન્ડ છે. કબડ્ડી માટે ખૂટતી સુવિધાઓ સુધારવાના પ્રયાસો ચાલુ છે. હવે કબડ્ડી માટેની એકેડમી પણ શરૂ થવા જઈ રહી છે.
નાનુભાઈ વાનાણી – મંત્રી, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ

પૂરક માહિતી: હિરેન રાજ્યગુરુ, અમદાવાદ

You might also like