મહેમદાવાદ પાસે દેશનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર

આમ તો સિદ્ધિ વિનાયક દુનિયાના દરેક ખૂણામાં બિરાજે છે, જોકે સિદ્ધિ વિનાયકમાં લોકોની શ્રદ્ધા અતૂટ છે. સિદ્ધિ વિનાયક ગણપતિનું બહુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જે પ્રતિમાની સૂંઢ જમણી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઠ સાથે જોડાયેલી હોય છે તેથી તે ગણેશ સિદ્ધિ વિનાયક કહેવાય છે.

દેશનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર ગુજરાતના વાત્રક નદીનાં કાંઠે મહેમદાવાદ – ડાકોર માર્ગ નજીક તા.૦૫.૦૨.૨૦૧૪ના રોજ બન્યું છે. જે શ્રદ્ધાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૭૧ ફૂટ ઊંચી પ્રતિમા,૬,૦૦,૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં મંદિર બનશે.મંદિરની લંબાઇ ૧૨૦ ફૂટ, ઊંચાઇ ૭૧ ફૂટ, પહોળાઇ ૮૦ ફૂટ,મૂર્તિની સ્થાપના જમીનથી ૫૬ ફૂટ ઊંચે છે.ગાર્ડનમાં ફૂલોનો વિશિષ્ટ સ્વસ્તિક છે.૫૦ બસ, ૫૦૦ કાર સહિતનાં વાહનો માટેનું પાર્કિંગ,લિફ્ટ અને રેમ્પની સગવડથી મંદિર શોભે છે. આ મંદિરનો શિલાન્યાસવિધિ ૦૭ માર્ચ ૨૦૧૧ના રોજ કરવામાં આવ્યો હતો. જે જમીનથી ૨૦ ફૂટ ઊંડે કરવામાં આવ્યો છે.

આ વિશાળ બેજોડ અને કલાત્મક મંદિરમાં ભોંયતળિયે દસ હજાર સ્ક્વેર ફૂટનો સભા મંડપ અને પહેલાં માળે પણ વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એટલો જ વિશાળ સભામંડપ પણ છે. મૂર્તિની સ્થાપના જમીનથી 65 ફૂટ ઊંચાઈ, એવાં મંદિરમાં જવા માટે લિફ્ટ અને રેમ્પની પણ સગવડ છે.
આજે મંદિરના સંકુલમાં રોપાયેલાં રુદ્રાક્ષ, બીલી, પલાશ, બોરસલી, અશોકવૃક્ષ, ખજૂરી-નારિયેળી, કદંબ, ચંદન, સેવન અને શીમળાનાં સેંકડો નવાં વૃક્ષો જોવા મળે છે. સિદ્ધિ વિનાયક મંદિરનાં આકર્ષક પ્રવેશ દ્વાર અને મંદિરની વચ્ચે વિશાળ બગીચો છે. બગીચાની વિશાળ લોનમાં ગણપતિ દાદાનાં પ્રતીકરૂપ ફૂલોનો વિશાળ સ્વસ્તિક બનાવવામાં આવ્યો છે. અહીં આકાર પામનારા અલગ અલગ પ્રકારનાં ફુવારાથી સમગ્ર સંકુલ અને બગીચાની શોભાને ચાર ચાંદ લાગી ગયેલ છે. મંદિર અહીં બનાવવા પાછળનું મહત્વનું કારણ એ છે કે શ્રી ગણેશની સ્થાપના માટે વિધિ વિધાન મુજબ નદી કિનારો જરૂરી છે. એ ઉપરાંત તે સ્થળે સફેદ આંકડો પણ હોવો જોઈએ અને તે સ્થળ જાહેર માર્ગ ઉપર હોવું જોઈએ. અમદાવાદથી ડાકોર જવાના પદ માર્ગ પર વેત્રવતી એટલે કે વાત્રક નદીના કિનારે આશરે 6 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર પામેલ સિદ્ધિ વિનાયકનું આ મંદિર સ્થાપના થયેલ છે.
ગણેશ આરાધનાથી થતા લાભ
ગણપતિ મનોકામના દેવતા છે. તે શિવજીના પુત્ર હોવાથી મહાદેવની જેમ ગણદેવતા પણ બહુ સરળ પૂજા વિધિથી પ્રસન્ન થઈ જાય છે. જીવનના દરેક વળાંકે અડચણ અને સંકટો મોં ફાડીને ઊભાં જ હોય છે ત્યારે આ સાચી શક્તિથી જ જીવનની નૈયા નિર્વિઘ્ને પાર થઈ શકે છે. ગણેશજીની સાધના, આરાધના, ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે.
સંકટો દૂર થતાં જીવન સરળ બની જાય છે. ગણેશ માનસિક સુખ શાંતિના દાતા હોવાની સાથે તે ભૌતિક ક્ષેત્રે પણ ભક્તને સમૃદ્ધિ પ્રદાન કરે છે, કારણ કે ગણેશજીનાં આવાહનની સાથે રિદ્ધિ સિદ્ધિનું પણ આગમન થાય છે તેથી ગણેશની આરાધના ભૌતિક સંપદાનું વરદાન પણ આપે છે. પારદ ગણેશજીની પૂજા કરવાથી કે તેની ઘર, ઓફિસ કે દુકાનમાં સ્થાપના કરવાથી આર્થિક લાભ થાય છે. પારદ ગણેશ પર બુધવારે ગુલાબનું ફૂલ ચઢાવવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખૂલે છે. સર્વત્ર વિજય મળે છે. આ રીતે ગણેશનું મંગલમય સ્વરૂપ સંકટોને દૂર કરીને જીવનને શુભતાથી ભરી દે છે.•

You might also like