ખેડામાં અકસ્માતોની વણજાર: પાંચનાં મોત, છને ઈજા

728_90

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે સ‌િહત ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ખેડાના ડભાણ-ચકલાસી અને મહેમદાવાદ પાસે અકસ્માતો થયા હતા. અકસ્માતોમાં છ લોકોને ઈજા થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે નડિયાદ નજીક ડભાણ પાસે નેશનલ હાઈવે-૮ ઉપર આવેલી કેનાલ પાસે બુધવારે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દરમ્યાનમાં પસાર થતી લક્ઝરી બસનાે ચાલક ટ્રક અને ડમ્પરને જોઈ રહ્યાે હતાે તે સમયે આગળ જતી આઇશરના પાછળના ભાગે લક્ઝરી બસ અથડાતાં, સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી લોખંડની રેલિંગ તોડી નજીકમાં આવેલ ભારદ્વાજ કંપનીના મુખ્ય ગેટની દીવાલને અથડાવી દીધી હતી.

દીવાલ અને લોખંડનો ગેટ તોડી બસ અંદર જતી રહી હતી. ગંભીર અકસ્માતમાં લક્ઝરીના ચાલક અમિત મોતીભાઇ વિશળ (રહે. વિશળ હળમ‌િતયા, તા. ભેંસાણ, જિ. જૂનાગઢ) અને મુસાફરી કરી રહેલા જાદવ ઉર્ફે ભરતભાઇને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.

જ્યારે ચકલાસી નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર સાથી કોલ્ડ સ્ટોરેજ પાસે ટ્રક પંક્ચર થતાં ચાલક અને ક્લીનર ટાયર બદલી રહ્યા હતા. દરમ્યાનમાં પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રેલરના ચાલકે ટ્રકને ટક્કર મારતાં ટાયર બદલી રહેલા હ‌િરન્દ્રપાલ (ઉં.વ.ર૬) તથા આનંદીભાઇ (ઉં.વ.પપ)ને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. ચકલાસી પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર મહેમદાવાદના વાંઠવાળી નજીક કાર પલટી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મુંબઇના ઘાટકોપર ખાતે રહેતો પરિવાર ઊંઝા દરગાહે જઈ રહ્યો હતો.

તે સમયે તેમની કારનું પાછળનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવતાં ગાડી પલટીને બીજી તરફ ફંગોળાઇ હતી. અકસ્માતમાં કૈશ રમજાન અન્સારી (ઉ.વ.૩૦)ને ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ઇજા થઇ હતી.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉપરાંત ખેડાના ડભાણ નજીકથી પસાર થઇ રહેલ ટ્રકના ચાલકે રોડની સાઇડમાં ઊભેલા ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ઈજા થઇ હતી. આ અંગે નડિયાદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like
728_90