એશિયાથી સૌથી મોટી ડસ્ટ‌િબન ગણાતી ખારીકટ કેનાલ આ વર્ષે ગંદકીથી ખદબદતી જ રહેશે

અમદાવાદ પૂર્વમાંથી પસાર થતી ખારીકટ કેનાલ આ વખતે તેમાં ઠલવાતી જતી ગંદકીના કારણે ચોમાસામાં આસપાસની સોસાયટી વિસ્તારમાં ફરી તબાહી સર્જવાની છે. એશિયાની સૌથી મોટી ડસ્ટ‌િબન તરીકે ખારીકટ કેનાલની ઓળખ છે. ખારીકટ કેનાલને આવી ઓળખ મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનાર તંત્ર માટે શરમજનક છે. તેમ છતાં કમસે કમ આ વર્ષે તો ખારીકટ કેનાલ સ્વચ્છ થવાની નથી.

ગત વર્ષે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રાજ્ય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-ર૦૧૮ને જોશભેર હાથ પર લેવાયું હતું. આ અભિયાન હેઠળ પ્રથમ વખત ખારીકટ કેનાલની સાફસફાઇને મહત્ત્વ અપાયું હતું. તંત્ર દ્વારા ખારીકટ કેનાલમાં ડમ્પર્સ, ટ્રેક્ટર્સ જેસીબી મશીન વગેરે ઉતારીને કુલ ૩૩ હજાર મે‌િટ્રક ટન કચરો બહાર કઢાયો હતો. ગત તા.૧ મે, ર૦૧૮થી શહેરમાં ર૧ કિ.મી. લંબાઇ ધરાવતી ખારીકટ કેનાલનું સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જે ગત તા.૩૧ મે, ર૦૧૮ સુધી અવિરત ચાલુ હતું. આ સફાઇ અભિયાનનું નિરીક્ષણ કરવા છેક ગાંધીનગરથી ટોચના મહાનુભાવો આવતા હતા.

ખારીકટ કેનાલને પુનઃ ગંદકીથી ખદબદતી રોકવા તંત્ર દ્વારા કેનાલ પરના રોડ ક્રો‌િસંગના જંક્શન પર સીસીટીવી કેમેરા તેમજ જંકશનની બાજુ અને કેનાલની બન્ને બાજુ આશરે પ૦ ફૂટ સુધી ચેઇન લિ‌િન્કંગ ફે‌િન્સંગ કરાવવાનાં ઢોલ-નગારાં વગાડાયાં હતાં તેમ છતાં બંધ હાલતમાં સીસીટીવી કેમેરા, કેનાલ આસપાસનાં લારી-ગલ્લાવાળા, કેટલાક દુકાનદારો કે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કેનાલમાં જ સીધો કચરો ઠલવાતો હોઇ કેનાલ પાછી ગંદકીથી ખદબદવા લાગે છે.

ગત મે મહિનામાં ખારીકટ કેનાલ વિસ્તારમાં મોટા પાયે હાથ ધરાયેલું જન જાગૃતિ અભિયાન અને તે હેઠળ યોજાયેલી ગ્રૂપ મિ‌િટંગ પણ અસરકારક નિવડી નથી. દરમ્યાન મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આ વખતે સુજલામ્ સુફલામ્ અભિયાન હેઠળ ખારીકટ કેનાલની સફાઇનું આયોજન કરાયું ન હોઇ આ ચોમાસામાં કેનાલની આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાઇને ઘરે ઘરે ઝેરી મેલેરિયા ફેલાશે તેમજ વરસાદમાં કેનાલ ઊભરાઇને આસપાસની નીચાણવાળી સોસાયટીમાં હાહાકાર મચાવશે તે બાબત નિશ્ચિત છે.

You might also like