ખારીકટ કેનાલની સાફસફાઈ કરવા ઊતરેલાં જેસીબીનાં ટાયર ફરતાં રહ્યાં!

અમદાવાદ: એશિયાની સૌથી મોટીમાં મોટી ડસ્ટબિનની ઓળખ ધરાવતી શહેરના પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ દર ચોમાસામાં ભારે તબાહી મચાવે છે. ખારીકટ કેનાલથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હાહાકાર ફેલાવતાં હોઇ કોર્પોરેશન પણ સમયસર કેનાલની સાફસફાઇ કરતું નથી. ખારીકટ કેનાલની સાફસફાઇના મામલે કોર્પોરેશન અને સિંચાઇ વિભાગ વચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલે છે, જોકે એમાં નિર્દોષ નાગરિકોનો મરો થાય છે. તેમ છતાં શાસક ભાજપ પક્ષના પૂર્વ વિસ્તારના કોર્પોરેટરોના આગ્રહથી તંત્રએ બે દિવસ પહેલાં ખારીકટ કેનાલની સાફસફાઇ માટે એક જેસીબી મશીન ઉતાર્યું હતું, જોકે કેનાલની ચીકાશને લઇ જેસીબી મશીનનાં ટાયર ફરતાં રહેવાથી ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ હતી.

કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા દોઢ મહિનાથી પૂર્વ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના સભ્યોએ ગંદકીથી ખદબદતી ખારીકટ કેનાલની ચોમાસા પહેલાં સાફસફાઇ કરાવવાનો આગ્રહ તંત્રને કર્યો હતો. છેવટે કોર્પોરેશનના મોટા અધિકારીઓને પણ ખારીકટ કેનાલની સાફસફાઇ કરાવવાનું મન થયું હતું, પરંતુ મહિને પાંચ આંકડાનો પગાર લેતા આ ઉચ્ચ અધિકારીઓ વિચાર્યા વગર ટાયર પર દોડતા જેસીબી મશીનને ખારીકટ કેનાલમાં ઉતારીને લોકોની નજરે ઠોઠ નિશા‌િળયા પુરવાર થયા હતા.

ઓઢવ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ સવિશેષ ગંદી થઇ હોઇ મ્યુનિ. કોર્પોરેશને બે દિવસ પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. મોટી સંખ્યામાં લોકો કોર્પોરેશનના જેસીબી મશીનથી ચાલનાર સફાઇ ઝુંબેશને નિહાળવા કેનાલની બંને તરફ ઊમટ્યા હતા. પરંતુ અડધા-એક કલાકની મથામણ બાદ પણ આ જેસીબી મશીન કચરો ઊંચકવામાં નિષ્ફળ રહ્યું હતું. કેનાલની ચીકાશથી જેસીબી મશીનના ટાયર ફરતાં રહેવાથી જેસીબીચાલક તોબા પોકારી ગયો હતો.

આ સઘળું દૃશ્ય જોઇને ઉપસ્થિત લોકોમાં ભારે રમૂજ ફેલાઇ ગઇ હતી. છેવટે થાકી-હારીને જેસીબી મશીનને કેનાલમાંથી બહાર ખેંચી લેવાયું હતું. આ પ્રકારના ફજેતા અંગે કોર્પોરેશનના ટોચના અધિકારી કહે છે, ‘ખરેખર તો ખારીકટ કેનાલમાં ગંદકીના કારણે ચીકાશ સર્જાતાં ચેનની પક્કડ ધરાવતું જેસીબી મશીન ઉતારવું જોઇએ, પરંતુ આવા મશીન ફક્ત સિંચાઇ વિભાગ પાસે છે અને કોર્પોરેશને સિંચાઇ વિભાગ પાસેથી આવું મશીન મેળવ્યું હોત તો કંઇક અંશે સફાઇ થઇ શકત.’
http://sambhaavnews.com/

You might also like