ખાડિયા ચાર રસ્તાથી ઝકરિયા મસ્જિદ સુધીની મિલકતો પર હથોડા ઝીંકાશે

અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં ઠેરઠેર ગેરકાયદે બાંધકામોના રાફડેરાફડા ફાટી નીકળ્યા છે. કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ સ્ટાફની રહેમનજર હેઠળ કુખ્યાત બિલ્ડર માફિયાઓ રાતોરાત અમદાવાદની સંસ્કૃતિ સમાન પોળની જૂની ધરોહર ધરાવતા કાષ્ઠશૈલીના કલાત્મક મકાનોને ધૂળ ભેગાં કરીને મોટા મોટા કોમ્પ્લેકસ ઊભા કરી રહ્યા છે. અનેક પોળ તો ફકત નામની જ રહેણાક પોળ બની છે. સેંકડો લોકોએ ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ બેફામ થવાથી થાકી-હારીને નદી પારના વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે. આમ, સમગ્ર કોટ વિસ્તાર ભયમાં મુકાયો હોવા છતાં સત્તાવાળાઓને તેવી કોઇ બાબતને અટકાવવામાં રસ નથી, પરંતુ ગાંધીરોડ અને રિલીફરોડને જોડતા ખાડિયા ચાર રસ્તાથી ઝકરિયા મસ્જિદ સુધીના રસ્તાને છ વર્ષે પહોળો કરવા જેવા ઊંબાડિયા ચાંપીનેે નિર્દોષ શહેરીજનોને ખોટી રીતે કનડગત કરવામાં રસ છે એટલે જ રપ દિવસ પહેલાં તંત્રે આ રોડ પરની આશરે ૧૪૭ મિલકતોને જમીનદોસ્ત કરવા નોટિસ ફટકારતાં અસરગ્રસ્તોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

આમ તો ગાંધીરોડ અને રિલીફરોડને જોડતા ખાડિયા ચાર રસ્તાથી ઝકરિયા મસ્જિદ સુધીના હયાત રસ્તાને ૬૦ ફૂટ પહોળો કરવાનાે મામલો છેક એપ્રિલ ર૦૧૧નાે છે. તે વર્ષે આ રોડ કે જે નવા દરવાજા રોડ તરીકે પણ અોળખાય છે, અા રોડ પર રિડેવલપમેન્ટ પ્લાન મુજબ જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૨૦૧(૧) બ મુજબ ૬૦ મીટર પહોળો કરવા માટે રોડ લાઈન કરવાનો તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીમાં ગત તા. ૨૪ અેપ્રિલ, ૨૦૧૧અે ઠરાવ પણ પસાર કરાયો હતો. ત્યારબાદ ગત તા. ૧૭ જાન્યુઅારી, ૨૦૧૫અે તંત્ર દ્વારા રોડ લાઈન કરાઈ હતી અને હવે ગત તા. ૬ મે, ૨૦૧૭થી અસરગ્રસ્તોને બીપીએમસી એક્ટની કલમ ૨૧૨(૧) મુજબ નોટિસ ફટકારાઈ છે, જેમાં જો અાગામી તા. ૧૫ જૂન, ૨૦૧૭ સુધીમાં અસરગ્રસ્તો કોર્પોરેશનને રોડ લાઈનમાં અાવતી પોતાની મિલકતને શા માટે તોડી ન પાડવી તેનો સંતોષકારક ખુલાસો નહીં કરે તો કલમ ૨૧૨(૨) હેઠળ અસરગ્રસ્તોને પોતાની મિલકત જાતે તોડી પાડવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અપાઈ છે.

મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં અાવતા અા રોડની અાશરે ૧૪૭ મિલકતોને નોટિસ ફટકારતા ગેબીનાથ મહાદેવ, ઝકરિયા મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોનો અાંશિક ભાેગ લેવાશે. ગુજરાતનું મોટામાં મોટી પેપર માર્કેટ, અાઠ-દસ હે‌િરટેજ શ્રેણીના મકાનો વેરવિખેર થઈ જવાના હોઈ સ્થાનિક લોકો અને વેપારીઅોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

અસરગ્રસ્તો કહે છે, ગાંધીરોડ અને રિલીફરોડને જોડતા નવ જેટલા રોડ છે, અનેક સાંકડા રસ્તા છે તેમ છતાં માત્ર નવા દરવાજા રોડને જ પહોળો કરવા પાછળ કેટલાક બિલ્ડર અને એક સ્થાનિક કોર્પોરેટરની ગંદી રમત કારણભૂત છે. વર્ષ ૨૦૧૧માં પણ કપાત સામે અમે ઉગ્ર વિરોધ નોંધાવ્યો જ હતો, જેનો અાજ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

અા રોડ પરની મોટી બ્રહ્મપુરીની પોળ, નાની બ્રહ્મપુરીની પોળ, પાઠકની ખડકી, ભાગવતવાડો, સિદ્દીકની પોળના કેટલાક રહેવાસીઅોનો અાક્ષેપ છે કે, રોડ પહોળો કરીને અંદરના ભાગના કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને રોડ પર લાવવાના ષડ્યંત્રમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઅોની પણ છૂપી મિલીભગત છે. જ્યારે ગાંધીરોડ અને રિલીફરોડ જ દબાણગ્રસ્ત હોઈ ૬૦ ફૂટ પહોળા નથી, ટંકશાળ રોડ, અાસ્ટોડિયા રંગાટી બજાર, કાળુપુર રોડ, ટાવર રોડ, રાયપુર દરવાજા રોડ, પાનકોરનાકા, પાંચકૂવા, બિસ્કિટ ગલી જેવા સાંકડા રસ્તા તંત્રને કેમ દેખાતા નથી? નવા બજાર રોડ એક માર્ગીય રસ્તો છે, જો ટ્રાફિક પોલીસ દ્વારા તેનો કડક અમલ કરાય તો ટ્રાફિકની સમસ્યા રહેતી નથી.

અા અંગે કેટલાક અસરગ્રસ્તોઅે બે દિવસ પહેલાં મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રદીપ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર સમક્ષ પણ રૂબરૂ રજૂઆત કરી છે. જોકે કોઇએ તેમાં રસ દાખવ્યો નથી તેવો પણ આક્ષેપ કરાતાં આ અસરગ્રસ્તો વધુમાં કહે છે, “એક કમિટીના ચેરમેન એવા સ્થાનિક કોર્પોરેટરના દબાણથી ઉચ્ચ હોદ્દેદારોએ મૌન પાળી લીધું છે. રોડ પહોળો કરવાની અમારી કોઇ માગણી ન હોવા છતાં કોર્પોરેશન સ્વયંભૂ નિર્ણય લઇને જે મકાનોમાં અમે અમારા જન્મ પહેલાંથી રહીએ છીએ ત્યાંથી અમને ઘરવિહોણા કરવા માગતું હોઇ અમારી કોઇ પણ સંજોગોમાં સંમતિ નથી અને આ સંદર્ભમાં અમારા વાંધાઓ ફરીથી તંત્રમાં રજૂ પણ કરી દીધા છે.”

આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ શંકરને પૂછતાં તેઓ કહે છે, “નવા બજાર રોડને પહોળો કરવા તંત્રની નોટિસ બજાવણીની મને કોઇ જાણકારી નથી.” જ્યારે આ ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇ કહે છે કે  “જૂના કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિકાસકામો હાથ ધરવા છ વર્ષ બાદ નોટિસ અપાઇ છે. આનાથી ૩ર૦ મીટર લાંબા રસ્તાને ૬૦ ફૂટ પહોળો કરાશે.”
http://sambhaavnews.com/

You might also like