પુરીના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના ખજાનાની ચાવી થઈ ગાયબ

પુરી: પુરીના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના ખજાનાની ચાવી ગુમ થઇ ગઇ છે. તેને લઇને પુરીના શંકરાચાર્ય અને રાજ્યમાં વિપક્ષ ભાજપે આ ઘટના પર વિરોધ વ્યકત કર્યો છે. શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટ કમિટીના સભ્ય રામચંદ્રદાસ મહાપાત્રએ જણાવ્યું કે કમિટીની ૪ એપ્રિલે બેઠક થઇ હતી તેમાં એ વાત જણાવાઇ હતી કે રત્નભંડારના અંદરના કક્ષની ચાવી ગાયબ થઇ ગઇ છે.

ઓડિશાના ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ રત્નભંડાર કક્ષમાં ૪ એપ્રિલે સખત સુરક્ષાની વચ્ચે ૧૪ સભ્યની એક ટીમે ૩૪ વર્ષ બાદ તપાસ માટે પ્રવેશ કર્યો હતો. શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટ કમિટીના એક અધિકારીએ જણાવ્યુું કે તપાસ ટીમના સભ્યોને અંદરના રૂમમાં પ્રવેશ કરવાની જરૂર નહોતી, કેમ કે તે બહારથી એક લોખંડની ગ્રીલમાંથી જોઇ શકાય છે.

દાસ મહાપાત્રએ જણાવ્યું કે મંદિર પ્રશાસન અને પુરીના કોષાગાર પાસે આંતરિક કક્ષની ચાવી છે એ વાતની જાણ બે મહિના બાદ થઇ છે. પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સ્વામી સરસ્વતીએ આ ઘટના માટે ઓડિશા સરકારની ટીકા કરી છે. ભાજપે મુખ્યપ્રધાન નવીન પટનાયક પાસે આ મુદ્દે સ્પષ્ટીકરણ માગ્યું છે.

શંકરાચાર્યે જણાવ્યું કે આ ઘટના જણાવે છે કે રાજ્ય સરકાર અને મંદિર તંત્ર પોતાની જવાબદારી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. રાજ્યમાં ભાજપના પ્રવકતા પીતાંબર આચાર્યએ જણાવ્યું કે મુખ્યપ્રધાને આ બાબતે સ્પષ્ટીકરણ આપવું જોઇએ કે ચાવી કેવી રીતે ગાયબ થઇ અને તે માટે કોણ જવાબદાર છે.

You might also like