સ્લિપર પહેરીને ન આવવા દીધો એટલે પીટરસને ઍરલાઇનને ‘બેવકૂફ’ કહી

સિડની: થોડા મહિનાઓથી ઇંગ્લૅન્ડની ટીમમાંથી હાંકી કાઢવામાં આવેલા બૅટ્સમૅન કેવિન પીટરસનને પગમાં સ્લિપર (ફ્લિપ-ફ્લૉપ) પહેરીને ક્વૉન્ટસ ઍરલાઇન્સ દ્વારા એની લાઉન્જમાં પ્રવેશવાની પરવાનગી ન મળતાં તે ગુસ્સે થયો હતો અને પછીથી તેણે આ ઍરલાઇનને ‘બેવકૂફ’ કહી હતી.

પીટરસન બિગ બૅશ ટી ટ્વેન્ટી સ્પર્ધામાં રમવા ઑસ્ટ્રેલિયા આવ્યો છે. તે મેલબર્ન સ્ટાર્સ નામની ટીમ વતી રમશે. જોકે, તાજેતરમાં સાઉથ આફ્રિકામાં તેની ડૉલ્ફિન ટીમ ફાઇનલમાં પરાજિત થતાં તે હતાશ હતો અને એ હતાશામાં તેણે ઍરલાઇન્સના લાઉન્જમાં ફ્લિપ ફ્લૉપમાં ન આવવા દેવામાં આવતાં પછીથી ટ્વિટર પર લખ્યું હતું કે ‘તમે કેવા છો? પ્લેટિનમ, ફર્સ્ટ ક્લાસના મુસાફરોને તમે તમારી લાઉન્જમાં ફ્લિપ ફ્લૉપ પહેરીને નથી આવવા દેતા? આ વળી કેવો નિયમ? ક્વૉન્ટસ એટલે બેવકૂફ!’ તેણે લખ્યું હતું કે ‘થૉન્ગ્સના ફ્લિપ-ફ્લૉપ તમારા જ મહાન દેશની બ્રાન્ડ છે અને તમે એની જ પ્રૉડક્ટને નકારી. હું લાંબો પ્રવાસ કરીને થાકી ગયો હતો અને હળવો થવા મેં ફ્લિપ ફ્લૉપ પહેર્યાં હતાં એમાં શું ખોટું કર્યું?’

You might also like