આજે કેતન પટેલના પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ પરિવારજનોને મળશે

અમદાવાદ: બલોલના પાટીદાર યુવાનના કસ્ટોડિયલ ડેથને પગલે તેના પિતા સહિતના પરિવારજનો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની બહાર આજે સાતમા દિવસે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ સાથે બેઠા છે ત્યારે આજે પણ મહેસાણામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આજે મૃતકનો બીજો પીએમ રિપોર્ટ મળવાનો હોઇ પાટીદારોનાં ટોળે ટોળાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સવારથી ઊમટી રહ્યાં છે. એસપીજી, પાસ અને કોંગ્રેસના અગ્રણીઓ અન કાર્યકરો પણ આ ઘટના સાથે જોડાતાં મહેસાણાનું રાજકીય વાતાવરણ તંગ બન્યું છે. કેતન પટેલને ન્યાય અપાવવા અને તેનાં મોતની પાછળના જવાબદારો સામે ફરિયાદ નોંધીને ધરપકડ સુધીની કાર્યવાહી કરવા માટે ઉપવાસ પર ઊતરેલા પાટીદારોની સરકાર અને તંત્રની સામે નવી લડાઇ શરૂ થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીના કેસમાં બલોલના આરોપી કેતન પટેલને ગ્રામવાસીઓએ ચોરીના મુદ્દે માર મારીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ બાબતે કોર્ટ કાર્યવાહી કરી, પરં તેના જામીન માટે કોઇ ન આવતાં તેને જ્યુડિશિયલ કસ્ટીમાં મોકલાયો હતો ત્યાં બીજે દિવસે તેનું મોત થયું હતું. પહેલાં પોસ્ટ મોર્ટમમાં ૩૯ જેટલી ઇજા જણાઇ હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ બીજા પોસ્ટ મોર્ટમમાં પ૪ જેેટલી ઇજાનાં નિશાન જણાયાં છે. આજે રિપોસ્ટ મોર્ટમના રિપોર્ટના અભ્યાસ પછી પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. સમગ્ર મામલે હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ભાજપ દ્વારા સમગ્ર પ્રકરણ થાળે પાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. તો કોંગ્રેસ દ્વારા સમગ્ર ઘટનાને તથ્ય અનુસાર પગલાં લેવાની માગ સાથે આરોપીઓની ધરપકડ કરવા માટે દબાણ થઇ રહ્યું છે.

અત્યારે સિવિલના પ્રાંગણમાં ૬૦થી વધુ પાટીદારો પ્રતીક ઉપવાસ પર છે. મૃતકના પિતા મહેન્દ્ર પટેલ તેમની માગ ઉપર મક્કમ છે કે જ્યાં સુધી જવાબદાર પોલીસની ધરપકડ નહીં થાય ત્યાં સુધી કેતન પટેલનાે મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.
http://sambhaavnews.com/

You might also like