કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ કેસ ૧૦૦થી વધુના નિવેદન લેવાયા

અમદાવાદ: મહેસાણામાં ચોરીના આરોપસર ધરપકડ કરાયેલા કેતન પટેલનું પોલીસના મારથી કસ્ટડીમાં મોત થવા મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગોસ્વામીએ મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી છે. ધરપકડથી બચવા માટે પીઆઇ ગોસ્વામીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી છે. કોર્ટે સરકારને નોટિસ ઇશ્યૂ કરીને વધુ સુનવણી 27 જૂનના રોજ મુલતવી રાખી છે. ત્યારે ચકચારી કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે 100 કરતાં વધુ નિવેદનો લીધાં છે અને વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલે એસઆઇટીએ તપાસ તેજ કરી છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામીએ ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી છે. કેતનના મોત મામલે ચર્ચાયેલી એસઆઇટીની ટીમે 100 કરતાં વધુ નિવેદનો લીધાં છે જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તેમજ મૃતક કેતન પટેલના પરિવારજનોનાં નિવેદનો પણ લેવાયાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તબીબોનાં પણ નિવેદનો લેવામાં આવ્યાં છે. એસઆઇટીએ ધરપકડ કરાયેલા ભરત બારોટનું બાઇક કબજે લીધું છે તેમજ ચિરાગ પરમારની કાર પણ કબજે લીધી છે. કારની ચકાસણી કરવા માટે એસઆઇટીએ એફએસએલની મદદ લીધી છે. તો બીજી મહેસાણા જિલ્લા પોલીસ વડાએ હેડકોન્સ્ટેબલ ચિરાગ પરમારને સસ્પેન્ડ કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપી ચિરાગ પરમાર, ભરત બારોટ અને જિગર બારોટનાં રિમાન્ડ પૂરાં થતાં તેમને આવતી કાલે મહેસાણાની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like