કેસર કેરી મોડી અને ઓછી આવશે: ભાવ પણ ઊંચા રહેવાની શક્યતા

અમદાવાદ: કેરી ખાવાના શોખીનો માટે સારા સમાચાર નથી, કારણ કે ગ્લોબલ વો‌િર્મંગની અસર આ વખતે કેરીના પાક પર પડી છે. ગીરમાં આંબા પર મોર મોડાે આવવાના કારણે કેસર કેરીનો પાક પણ મોડો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રભરમાં કેરીના પાકની આ હાલત છે. મોડા પાકના પગલે કેરીના ભાવ પણ સિઝનભર ઊંચા રહેવાની શકયતા છે. વિચિત્ર વાતાવરણના કારણે ૪૦ ટકા જેટલા પાકમાં સમયસર મોર (મંજરી) ફૂટ્યાે નથી.

જે આંબામાં મોર ફૂટ્યાે હતાે તે પાછળના પાકમાં ગુણવતા નબળી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દર વર્ષે એપ્રિલ માસમાં કેરીની હરાજી શરૂ થઇ જાય છે. આ વર્ષે કેરીની હરાજી પ મેથી શરૂ થાય તેવી શકયતા છે. કેસર કેરીની હરાજી માટેનું મુખ્ય હબ કે સેન્ટર તલાલા યાર્ડ ગણાય છે. ગત વર્ષે કેરીની આવક યાર્ડમાં ૧૦.૬૭ લાખ બોક્સની નોંધાઇ હતી, જેનો સરેરાશ બોક્સદીઠ હોલસેલ ભાવ રૂ.ર૮૦થી ર૮૩ નોંધાયો હતો.

આ વર્ષે પાક ઓછો અને મોડો આવવાની શકયતાના પગલે કેરીના બોક્સના ભાવ ઊંચા બોલાશે. કેરી પકવી રહેલા આંબાના માલિક અને વેપારી મનજીભાઇ પટેલે કહ્યું હતું કે વાતાવરણ અયોગ્ય રહેતાં કેરીના પાકમાં ૩પથી ૪૦ ટકા આંબામાં સમયસર મોર આવ્યાે નથી. આંબામાં મોર આવ્યાે છે તે પાછળથી બેઠાે હોવાથી તેની ગુણવત્તા નબળી છે. હજુ પણ કેટલાક આંબામાં ખાકડી કેરી જોવા મળી રહી છે. ગત વર્ષે ૧૦ એપ્રિલથી તલાલા યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઇ ચૂકી હતી.

અમદાવાદના બજારમાં હજુ કેસર કેરીની સત્તાવાર આવકની શરૂઆત નથી થઇ. હાલમાં રોજનાં ૧પ૦૦થી ર૦૦૦ બોક્સ કેસર અને આફૂસનાં ૩૦૦૦ જેટલાં બોક્સની આવક છે. હોલસેલ માર્કેટમાં કાચી કેરીનો એક કિલોનો ભાવ ૧પ૦ સુધી છે, જ્યારે આફૂસનો ૧ કિલો કાચી કેરીનો ભાવ રૂ.૧૭પ છે, જે છૂટક માર્કેટમાં કાચી કેસર રૂ.ર૦૦ ‌પ્રતિકિલોના ભાવે વેચાણ થઇ રહી છે.

તલાલા યાર્ડના સેક્રેટરી હરસુખભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે કેરીની સિઝન દમ વગરની છે. ૪૦ ટકા આંબામાં મોર નથી આવ્યાે. કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં છે. પાછોતરા પાક પર હવે સિઝનનો આધાર છે. વર્ષ ર૦૦૧માં બોક્સનો સરેરાશ હોલસેલ ભાવ રૂ.૮૦ હતો. વર્ષ ર૦૦પ-૬માં રૂ.૮પ. વર્ષ ર૦૧૦માં રૂ.ર૦૮.

વર્ષ ર૦૧૩-૧૪માં રૂ.રપ૪ અને વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.ર૮૩ પ્રતિબોક્સ રહ્યો હતો. વર્ષ ર૦૧પમાં કેરીનો વિપુલ પાક થતાં ભાવ રૂ.ર૦૦ આસપાસ રહ્યા હતા, જ્યારે વર્ષ ર૦૧૦માં પાક ઓછો ઊતરતાં ભાવ રૂ.ર૦૦ પ્રતિબોક્સ રહ્યા હતા. આ વર્ષે સરેરાશ રૂ.પ૦૦થી ૬૦૦ પ્રતિબોક્સ ભાવ રહેવાની શક્યતા છે.

You might also like