વહેલા વરસાદે કેરી સસ્તી કરીઃ કેસર કેરીના ભાવ પણ ગગડ્યા

અમદાવાદ: સૌરાષ્ટ્રમાં વરસાદના આગમનની સાથે જ ફળોની રાણી ગણાતી કેસર કેરી સસ્તી બનવા લાગતાં ૧૦ કિલોની કાચી કેરીના ભાવ ગગડીને પ્રતિ બોકસ ૩૦૦ સુધી પહોંચી ગયા છે. જ્યારે પાકી કેરીના ૧૦ કિલો દીઠ ભાવ ૩૭૦ થી રૂ.૪૦૦ થઇ ગયા છે. છુટક બજારમાં પકાવેલી કેરીનો ભાવ રૂ.પ૦ થી ૬૦ પ્રતિ કિલો થયો છે.

કેરીના વેપારી મનજીભાઇના જણાવ્યા અનુસાર સોમવારે ભીમ અગિયારશ છે. આ દિવસે કેરીની માગ વધુ રહે છે. તેથી વેપારીઓ બે દિવસ ભાવ ઘટાડો નહીં કરવાના મૂડમાં છે. સોમવાર પછી કેરીના ભાવ વધુ ગગડે તેવી શક્યતા છે.

કેસર કેરીનું મુખ્ય હબ ગણાતા તાલાલા યાર્ડમાં કેરીની આવકનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં સૌરાષ્ટ્રનું હવામાન વરસાદી બનતા આવકો સાથે ભાવ પણ તૂટવા લાગ્યા છે. છેલ્લા ૩ જ દિવસમાં પ્રતિ બોક્સ ભાવ રૂ.૧૦૦ તૂટીને ગઇ કાલે ૩ર,પ૦૦ બોક્સની આવકે દસ કિલોના એક બોક્સ દીઠ રૂ.૧પ૦ થી ૩પ૦માં હોલસેલમાં વેચાણ થયાં હતાં.

યાર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેરીનો પાક સારો હોવાથી આવકનું પ્રમાણ વધ્યું છે. આવકની શરૂઆતમાં કેસર કેરીના બોક્સના ભાવ રૂ.પ૦૦ થી ૬૦૦ હતા જ્યારે પાકી કેરીના કિલો દીઠ ભાવ રૂ.૭૦ થી ૧૦૦ હતા તે મેઘરાજાની વહેલી એન્ટ્રીના કારણે રૂ.પ૦ થી ૬૦ થયા છે.
ર૩ મેના રોજ તાલાલા યાર્ડમાં કેરીના ર૯,પ૦૦ બોકસની આવક સામે ભાવ ૧૬૦થી ૪૬૦ બોલાયા હતા. જે ર જૂનના રોજ ૩ર,પ૦૦ બોકસની આવક સામે રૂ.૧૩૦ બોલાયા છે. કેસર કેરીનાે પાક હાલમાં મોટા પાયે તૈયાર થયેલો છે. આંબા પર મોટા કદની કેરીઓ ઝૂલતી હતી. પરંતુ વંટોળ અને વરસાદે આંબે ઝૂલતી કેરીઓ ખેરવી નાખી છે. ખેડૂતોને વહેલા વરસાદના કારણે કેરીના ભાવમાં નુકસાન થશે પરંતુ સામાન્ય લોકોને બજારમાં ઓછા ભાવની કેરી ખાવા મળશે.

http://sambhaavnews.com/

You might also like