કેરળની ત્રણ કંપની પાસે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને સ્વિડન કરતાં પણ વધુ સોનું

કોચી: કેરળની ત્રણ ગોલ્ડ કંપનીઓ પાસે એટલું સોનું છે કે જેટલું દુનિયાના કેટલાય ધનાઢય દેશોના રિઝર્વમાં પણ નથી. મુથુટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ અને મુથુટ ફિનકોર્પ પાસે લગભગ ર૬૩ ટન એટલે કે ર,૬૩,૦૦૦ કિલોગ્રામ સોનાના દાગીના છે. આ સોનું બેેલ્જિયમ, સિંગાપોર, સ્વિડન અને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ રિઝર્વ કરતાં પણ અનેકગણું વધુ છે.

દુનિયામાં સોનાની કુલ ડિમાન્ડમાં ભારતનો હિસ્સો ૩૦ ટકા છે. અહીં લોકો સુર‌િક્ષત નાણાંના સ્વરૂપમાં સોનું ખરીદે છે. સાથે સાથે તેનું સામાજિક મહત્ત્વ પણ બહુ છે. કેરળમાં બે લાખ ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ કામ કરે છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો સોનું ગીરવે મૂકીને લોન મેળવે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ગોલ્ડ રિઝર્વ રાખવાની બાબતમાં દુનિયામાં ભારતનું સ્થાન ૧૧મું છે. આ બાબતમાં અમેરિકા સૌથી આગળ છે. અમેરિકા પાસે ૮,૧૩૪ ટન સોનું રિઝર્વ છે. જર્મની અને આઇએમએફ પાસે ક્રમશઃ ૩૩૭૮ અને ર૮૧૪ ટન સોનું છે. ગોલ્ડ ફિલ્ડ મિનરલ સર્વિસીઝના ગોલ્ડ સર્વે અનુસાર ભારત સોનાનો ઉપયોગ કરનારા દેશોમાં સૌથી ટોચ પર છે. ર૦૧૬ના ત્રીજા કવાર્ટર સુધી અહીં ૧૦૭.૬ ટન સોનાનો વપરાશ થયો હતો. તુલનાત્મક રીતે આ સમયમાં સમગ્ર યુરોપ અને નોર્થ અમેરિકામાં માત્ર ૬૭.૧ ટન સોનાની લે-વેચ થઇ હતી. આ મામલામાં ચીન બીજા નંબર પર છે. અહીં ૯૮.૧ ટન સોનાનો વપરાશ થયો હતો.
http://sambhaavnews.com/

You might also like