કેરળમાં વરસાદનું આગમન, ભારે વરસાદના લીધે એકનું મોત

તિરૂવનંતપુરમઃ વરસાદનું કેરળમાં આગમન થઇ ગયું છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઇ ગયા છે. તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. કેરળમાં વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી એક વ્યકિતનું મૃત્યુ થયું છે.

ભારતીય હવામાન વિભાગના કેન્દ્ર પ્રમુખ કે. સંતોષે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ વરસાદ કેરળ અને લક્ષદ્વિપમાં આવી ગયો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મંગળવાર રાતથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 9 જૂન સુધી કેરળમાં ચોમાસુ બેસી જવાની આગાહી કરી હતી. ત્યારે ભારે વરસાદને કારણે તિરૂવનંતપુરમ જિલ્લામાં તંત્ર દ્વારા સાવચેતીને લઇને યોગ્ય પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. સાથે જ પોનમુદી જેવા પહાળી વિસ્તારોમાં પ્રવાસીઓને ન જવા અંગે અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે રાત્રીના સમયે પહાળી વિસ્તારો પર મુસાફરી ન કરવા અંગેનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

દક્ષિણ પશ્ચિમી ચોમાસુ સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ સક્રિય થાય છે. તે તરંગોમાં પૂર્વોત્તરની આગળ વધે છે અને 15 જુલાઇ સુધી સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રારંભ થાય છે. ગત વર્ષે હવામાન વિભાગે 30 મેથી ચોમાસાનો પ્રારંભ થશે તેવી ભવિષ્યવાણી કરી હતી. ત્યારે ચોમાસુ 5 જૂનથી સક્રિય થયું હતું.

You might also like