કેરળની એસેમ્બલીના અધ્યક્ષે ખરીદ્યા 50,000 રૂ.ના ચશ્મા અને બિલ સરકારે ભર્યું!

કેરળ વિધાનસભાના અધ્યક્ષ પી. શ્રીરામકૃષ્ણને લગભગ 50હજાર રૂપિયાના એક ચશ્મા ખરીદ્યા છે અને પહેલેથી જ નાણાની કમી ભોગવી રહેલ રાજ્ય સરકારે તેનું બિલ પણ ભર્યું છે. જો કે તેના પર વિવાદ શરૂ થયો છે.

માકપાના નેતૃત્વવાળી LDF સરકારે 2018-19ના બજેટ રજૂ કર્યાના એક દિવસ બાદ જ આ ચશ્માના બિલ ચૂકવ્યાના સમાચાર આવ્યા છે. બજેટમાં રૂપિયાની કમીને ખત્મ કરવા માટે નાણાકીય નિયમો માટે વકીલાત કરવામાં આવી છે.

કોચીના વકીલ ડીબી બીનૂની RTI અપીલ પર જવાબ આપતાં વિધાનસભા સચિવાલયે જણાવ્યું છે કે, અધ્યક્ષના ચશ્મા પર 49,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 4,900 રૂપિયાની ચશ્માની ફ્રેમ અને 45,000 રૂપિયા લેન્સ પર ખર્ચવામાં આવ્યા છે.

અધ્યક્ષને 5 ઑક્ટોબર 2016થી આ વર્ષની 19 જાન્યુઆરી સુધીની 4.25 લાખ રકમ આપવામાં આવી છે. જો કે વિવાદ વધતા પ્રતિક્રિયા આપતા અધ્યક્ષે કહ્યું છે કે, ડૉક્ટરની સલાહ પર તેમના ચશ્મા ખરીદવામાં આવ્યા છે. જો કે RTIમાં તેમના ચશ્માના બિલ માગવામાં આવ્યા હતા, જે આપવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે તેની પહેલા સ્વાસ્થય મંત્રી કેકે શૈલજાના 28,000 રૂપિયાના ચશ્મા ખરીદવા બાદ પણ વિવાદ થયો હતો, કારણ કે તેમના ચશ્માનું બિલ પણ સરકારે ચૂકવ્યું હતું.

You might also like