કેરળને રૂ.700 કરોડ આપવાની સત્તાવાર જાહેરાત કરી નથીઃ UAE

નવી દિલ્હી: સદીના સૌથી મોટા પૂરની આપત્તિનો સામનો કરી રહેલ કેરળ માટે આવી રહેલી આર્થિક મદદ પર જારી રાજનીતિ અને વિવાદ વચ્ચે હવે સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ના રાજદૂત અહમદ અલબાનાએ એવી સ્પષ્ટતા કરી છે કે તેમના દેશ યુએઇએ કેરળ માટે અત્યાર સુધી કોઇ સ્પષ્ટ આર્થિક મદદની સત્તાવાર જાહેરાત જ કરી નથી.

તેમણે જણાવ્યું છે કે હજુ અમે સ્વયં કેરળમાં થયેલા નુકસાનની આકારણી કરી રહ્યા છીએ અને તેના પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે અને તેથી મારું માનવું છે કે હજુ સુુધી યુએઇ તરફથી કેરળને કોઇ સહાય અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આનો અર્થ એ થયો કે યુએઇ દ્વારા હજુ સુધી રૂ.૭૦૦ કરોડની કોઇ સહાય જાહેર કરવામાં આવી નથી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વાત સાચી છે. હજુ કંઇ ફાઇનલ થયું નથી કે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

આ અગાઉ કેરળના મુખ્યપ્રધાન પી.વિજયને જણાવ્યું હતું કે અબુધાબીના પ્રિન્સ શેખ મોહંમદ બિન જાયદ અલનાહિયાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે રૂ.૭૦૦ કરોડની સહાય આપવાની ઓફર કરી છે.

You might also like