કેરળ માટે સની લિયોને ૧ર૦૦ કિલો અનાજ આપ્યુંઃ રણદીપ જાતે પહોંચ્યો

મુંબઇ: કેરળના પૂૂરપીડિતોની મદદ માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ આગળ આવી છે. અમિતાભ બચ્ચનથી લઇને શાહરુખ ખાન સહિત અન્ય સેેલિબ્રિટીઝે પીડિતોની મદદ માટે દાન આપ્યું છે. હવે સની લિયોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. સનીએ કેરળના પૂરપીડિતો માટે અનાજ દાન કર્યું છે, તેની જાણકારી સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્વારા મળી છે.

સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું છે કે આજે ડેનિયલ અને હું આશા રાખીએ છીએ કે કેરળના લોકોને ભોજન કરાવવામાં સક્ષમ હોઇશું. ૧ર૦૦ કિલો દાળ ચોખાથી કેરળના લોકોને ભોજન મળશે. હું જાણું છું કે તેમને આના કરતાં પણ વધુ જરૂર છે. મારી ઇચ્છા છે કે હું હજુ વધારે કંઇક કરી શકું.

થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાઇરલ થયા હતા કે સની લિયોને કેરળના લોકોની મદદ માટે રૂ.પાંચ કરોડનું દાન કર્યું, જોકે તેના મેનેજર ઇબ્રાહીમે કહ્યું કે સનીએ કેરળના પૂરપીડિતો માટે દાન તો આપ્યું છે, પરંતુ તે રકમ કહી શકાય તેમ નથી, કેમ કે આ એક પર્સનલ બાબત છે.

રણદીપે ખાલસા એડ સાથે કામ કર્યું
રણદીપ હુડાએ અનોખી રીતે પૂરપીડિતોને મદદ કરવાનું કામ કર્યું. તે જાતે કેરળ પહોંચીને પૂરપીડિતોને ખાવાનું સર્વ કરતો જોવા મળ્યો એટલું જ નહીં, રણદીપે પૂરપીડિત વિસ્તારોમાં વોલન્ટિયર્સ સાથે મળીને સાફસફાઇ પણ કરી. રણદીપે યુકે બેઝ્ડ હ્યુમેનિટેરિયન રિલીફ ઓર્ગેનાઇઝેશન ખાલસા એડને જોઇન કર્યું. આ ઓર્ગેનાઇઝેશન ૧૯૯૯થી દુનિયાભરમાં પૂરપીડિતોને મદદ પહોંચાડવાનું કામ કરે છે.

આ સ્ટાર્સે પણ કરી મદદ
રણદીપ પહેલાં બોલિવૂડમાંથી સુશાંતસિંહ રાજપૂત, અમિતાભ બચ્ચન, સની લિયોન, શાહરુખ ખાન અને અક્ષયકુમાર જેવા સ્ટાર કેરળ સુધી મદદ પહોંચાડી ચૂક્યા છે. અમિતાભ બચ્ચને પૂરપીડિતો માટે કપડાં અને જૂતાં મોકલાવ્યાં છે.

અભિષેક પણ આગળ આવ્યો
અભિષેક બચ્ચને પોતાની આગામી મ્યુઝિકલ ફિલ્મ મનમ‌િર્જયાની ટીમને સજેસ્ટ કર્યું છે કે કોન્સર્ટ દ્વારા પૂરપીડિતોની મદદ માટે ફંડ એકત્રિત કરવામાં આવે. આ હેઠળ દિલ્હી, ચંડીગઢ, નાગપુર, હૈદરાબાદ અને ઇન્દોરમાં થતી કોન્સર્ટમાંથી ફંડ મેળવાશે.

You might also like