કેરળ: કોલ્લમના મંદિરમાં આગ લાગતાં 108નાં મોત, 350થી વધુ દાઝ્યા

ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગઇ રાત્રે કેરળના પુતિંગલ મંદિરમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 108 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા મૃતકોની સંખ્યાની પુષ્ટી કરવામાં આવી છે. આ દૂર્ઘટનામાં 350થી વધારે લોકો દાઝ્યા હોવાની આશંકા છે. આ દુર્ઘટના કેરલના કોલ્લમના પારાવુર વિસ્તારમાં આવેલ પુતિંગલ મંદિરમાં બની છે. જ્યાં ગઇ રાત્રે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંદિરમાં ભારે ભીડ હતી. સ્થાનિક દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત 200થી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મંદિરમાં આતિશબાજી દરમિયાન આગનો બનાવ બન્યો હતો. મંદીરમાં રાત્રે અંદાજે 12 કલાકની આસપાસ શરૂ થયેલ આતિશબાજી સવારે 4 વાગ્યા સુધી ચાલી હતી. મંદિરના પંડાલમાં આગ 3.30 કલાકની આસપાસ લાગી હતી. મુખ્યપ્રધાન ઓમાન ચાંડીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ આ દૂર્ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.

ચાંડીએ જણાવ્યું કે દુર્ઘટનામાં પીડીતોને સહાય અંગે ચીફ સેક્રેટરીને ચૂંટણી પંચની મંજૂરી લેવા કહ્યું હતું. રાજ્યમાં ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ હોવાના કારણે સરકારે ચૂંટણી પંચની મંજૂરી વગર સહાય અંગેની જાહેરાત કરી શકાય નહીં.

ગૃહમંત્રી રાજનાથ સિંહે NDRFના મહાનિર્દેશ ઓપી સિંહે કોલ્લમમાં એનડીઆરએફની ટીમને મોકલવાનું કહ્યું છે. ઓપી સિંહે કોલ્લમના કલેકટર સાથે વાત કરી છે. એનડીઆરએફના 200 જવાનોને ચેન્ન્નઇમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે આ અકસ્માત આતશબાજીના લીધે થયો છે. પુત્તિંગલ દેવીના મંદિરમાં ખાસકરીને નવા વર્ષના અવસરે મોટાપાયે આતશબાજી કરવી સામાન્ય બાબત છે. 14 એપ્રિલના રોજ મલયાલમ નવવર્ષ શરૂ થઇ રહ્યું છે. એટલા માટે આતશબાજી કરવામાં આવી રહી હતી.

You might also like