કેજરીવાલ સરકારે દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાનું બિલ તૈયાર કર્યું

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે બિલ તૈયાર કર્યું છે. આ બિલને જલ્દી વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યાર બાદ આગામી વિધાનસભા સત્રના વિધેયકમાં સદનમાં મૂકવામાં આવશે. “પૂર્ણ રાજ્યનો દરજ્જો” “આપ” દ્વારા ચૂંટણીમાં જે વચનો આપવામાં આવ્યા હતાં. તેમાનો એક છે.

મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના બધા જ સાંસદો આ બિલ પર લોકોના મંતવ્યો માંગશે. જેના માટે “દિલ્હી સ્ટેટ બિલ-2016” સાથે પોત પોતાના ક્ષેત્રમાં સભાઓનું આયોજન કરશે. લોકોને બિલ અંગે માહિતી આપશે અને તેમની સાથે આ મામલે ચર્ચા વિચારણા કરશે. લોકો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બિલને અંતિમ રૂપ આપીને આગામી સત્રમાં તેનુ વિધેયક રજૂ કરવામાં આવશે.

કેન્દ્ર પર દબાણ કરવાનો પ્રયાસઃ ઉલ્લેખનિય છે કે 49 દિવસની સરકાર પછી અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પોતાના વચન સાથે સત્તા પર પરત ફર્યા હતા. જો કે આ મુદ્દે હંમેશા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ભર્યો રહ્યો છે. તેથી જ બિલ તૈયાર કરીને કેજરીવાલ સરકાર કેન્દ્ર પર જનતાનું દબાણ લાવવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ પૂર્ણ રાજ્યના મામલે દિલ્હીમાં ફરી હંગામો થાય તેવી શક્યતા છે. આ લડાઇ રાજ્ય વિરૂદ્ધ કેન્દ્ર અથવા તો રાજ્ય વિરૂદ્ધ એલજીની હોઇ શકે છે.

 

You might also like