દિલ્હીમાં પોલ્યુશન માટે બધા રાજ્યો જવાબદાર છે, અમારે કેજરીવાલને મળવું નથીઃ પંજાબ CM

દિલ્હીમાં એર પોલ્યુશનની સ્થિતિ વધુ બદ્તર થવાના કારણે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ કેજરીવાલની સામે પડ્યા છે. ગુરુવારે અમરિંદર સિંહે કહ્યું હતું કે, પોલ્યુશનને રોકવા માટે કેજરીવાલે કંઈ કર્યું નથી. આ બહુ મોટો મુદ્દો છે. પોલ્યુશન વધવામાં બધા રાજ્યોનો સહયોગ છે. કેજરીવાલ ગજબના શખ્સ છે. તે સ્થિતિને સમજ્યા વગર જ કંઈપણ બોલે છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પોલ્યુશન વધવાના પગલે આપ પાર્ટીએ 5 દિવસ માટે (13 થી 17 નવેમ્બર) સુધી ફરીથી ઑડ ઈવન સ્કીમ લાગુ કરી દીધી છે. અમરિંદરે કહ્યું હતું કે, પંજાબમાં 20 મિલિયન પાકનું નિંદણ છે, તેને અમે ખેડૂતોને ક્યાં સ્ટોર કરવા માટે કહીએ? કેજરીવાલ અમારી પરિસ્થિતિ સમજી જ રહ્યા નથી. અમરિંદરના કહ્યા પ્રમાણે, તેમણે આ બાબતે વડાપ્રધાનને પણ ત્રણ વાર પત્ર લખ્યો છે કે, એકલા કેજરીવાલ સાથે મીટિંગ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી.

અમરિંદરે પોલ્યુશન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે, દિલ્હીમાં વધી રહેલા પોલ્યુશન માટે તમામ રાજ્યો જવાબદાર છે. જેની શરૂઆત પાકિસ્તાનથી થાય છે, કારણ કે પાકિસ્તાનથી વેસ્ટર્ન-ઈસ્ટમાં પવનો આવે છે.

પંજાબ અને હરિયાણાં ખેડૂતો દ્વારા પાકના નિંદણને સળગાવવાના કારણે થતા પ્રદૂષણ મામલે કેજરીવાલે બુધવારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પત્ર લખી મળવા માટે બોલાવ્યા હતા. જો કે બંને મુખ્યમંત્રીઓએ તેમને મળવાની ના પાડી દીધી છે.

ગુરુવારે અમરિંદરે ટ્વિટ કરીને કેજરીવાલના પ્રપોઝલને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, દિલ્હીમાં એર પોલ્યુશન વધવું તે રાજ્યો વચ્ચેનો મામલો નથી. તેમાં કેન્દ્ર સરકારે કોઈ પગલાં લેવા જોઈએ. દિલ્હીમાં સ્મૉગ અને એર પોલ્યુશન લેવલ ‘સીવિયર પ્લસ’ ખતરનાક લેવલ સુધી પહોંચી ગયું છે. જેની પરિસ્થિતિ ઈમરજન્સી જેવી થઈ ગઈ છે.

You might also like