મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે અને વૈશમ્પાયન તેના ઉત્તર આપે છે. એ બધું અસલ મહાભારતમાં હોવું શક્ય નથી. મહાભારતને મોટું કરનાર સૌતિ કોણ હતા? મહાભારતને વધુ મોટું બનતું અટકાવવા કયા ઉપાયો અજમાવવામાં આવ્યા? આ બધા પ્રશ્નોની ચર્ચા અહીં થશે.

મહાભારતકાળના કેટલાક આચારવિચાર પર દૃષ્ટિ ફેરવીએ તો, તે સમયે રાજાઓને રાજાઓ માટે જ ફરિયાદ હતી, પ્રજાને માટે તો તેઓ સુખદાતા હતા. રાજ્ય છીનવી લઈ રાજ્યમાં જોડી દેવાની રૂઢિ જ નહોતી. યુદ્ધમાં હારેલા રાજા પાસેથી ખંડણી લઈને છોડી દેતા કે તે યુદ્ધમાં મરાય તો તેના પુત્રને રાજ્યગાદીએ બેસાડવામાં આવતો. રાજાઓ રાજ આજની જેમ સીધે સીધું નહીં પણ વિદ્યસભા, રાજસભા અને ધર્મસભા દ્વારા કરતા.

તેઓ ઋષિમુનિઓના શ્રાપથી ધ્રૂજતા. પ્રજા સર્વ પ્રકારે સુખી હતા. પ્રજા, કળા કૌશલ્ય, વેપારમાં પ્રવીણ હતી. શિક્ષણ મફત આપવામાં આવતું અને જ્ઞાન-વિક્રય નિંદાસ્પદ ગણાતા હતા. લોકો ધર્મ-કર્મમાં પ્રવૃત્ત રહેતા તેથી પરસ્પર ઇર્ષાભાવ ઓછો રહેતો. અત્યારનાં વિજ્ઞાનથી તેઓ આગળ હતા. શસ્ત્રાસ્ત્ર બનાવવામાં, ચલાવવામાં કુશળ હતા. તેમનાં વાહન જળ, સ્થળ અને આકાશમાં ગતિ કરતાં.

મયાસુરની બનાવેલી સભા આપણને વાસ્તુવિદ્યાની પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે. દુર્યોધન પાંડવોના ભયથી એક તળાવમાં જળની વચ્ચે આનંદપૂર્વક સૂઈ ગયો હતો. આ જાતની જળસ્તંભન વિદ્યા તો હજુ સુધી વિજ્ઞાનીઓના ખ્યાલમાં નથી આવી. તેમની રાજનીતિ અવ્વલ હતી. બાણશય્યા ઉપરથી ભીષ્મ યુધિષ્ઠિરને જે રાજધર્મનો ઉપદેશ આપે છે. તેની ઉપમા સમસ્ત સંસારમાં મળે તેમ નથી. ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રે પ્રબોધેલો કર્મયોગ સંસારને મહાપ્રલય સુધી દીવાદાંડીરૂપ બની રહેશે. કુંતાનો ઉપદેશ- (ધર્મ તરફ તમારી મતિ રાખો. બુદ્ધિ હંમેશાં ઉદાર રાખો) આખા મહાભારતનો સાર આ પંક્તિમાં આવી જાય છે.

હાલના મહાભારત વિશે વિદ્વાનો કબૂલ કરે છે કે ૧ લાખ શ્લોકોના હાલના મહાભારતમાં વ્યાસ લિખિત માત્ર એક ચતુર્થાંશ તથા વૈશમ્પાયન અને સૂત વગેરે લિખિત ત્રણ ચતુર્થાંશ ભાગ છે. જોકે કયા કયા ભાગો પ્રક્ષિપ્ત છે એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. મહાભારતનું શરૂઆતનું ઉપાખ્યાન છોડી દેતાં તેમાં ૨૪,૦૦૦ શ્લોક છે. એ શ્લોક વેદવ્યાસે પોતાની જાતે પોતાના પુત્ર શુકદેવને શીખવેલા અને તેનું “જય” નામ આપેલું. વ્યાસે રાતદિવસ મહેનત કરી એની રચના ત્રણ વર્ષમાં કરી એમ મહાભારતમાં લખ્યું છે.

વ્યાસે એ રચના પોતાના પાંચ શિષ્યોને શિખવી. તેમના નામ સુમંતુ, જૈમિની, પૈલ, વૈશંપાયન અને શુક(વ્યાસના પુત્ર). વૈશંપાયને એ કથા જનમેજયને કહી તે “ભારત” તરીકે ઓળખાતી. “જય”માંથી “ભારત” માં પરિવર્તિત થઈ તેને આપણે બીજી આવૃત્તિ કરીશું. ત્રીજી આવૃત્તિના રચનારા સૌતિ હતા. કારણકે મહાભારતમાં તે પોતે જ કહે છે કે હે ઋષિગણ, મેં ભારત એક લાખ શ્લોકમાં કહી સંભળાવ્યું છે.

“ભારત” માંથી “મહાભારત” નામ આપનારા પણ એ જ હોવા જોઈએ. મહાભારતમાં લખ્યું છે કે પ્રથમ આ ભારતરૂપી સંહિતા વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકની કરી અને પછી મહાત્મા પુરુષોનાં આખ્યાન લખ્યાં છે, તેથી એ ભારત એક લાખ શ્લોકનું થયું. મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે અને વૈશમ્પાયન તેના ઉત્તર આપે છે.

એ બધું અસલ મહાભારતમાં હોવું શક્ય નથી. વૈશમ્પાયનના ભારતને સૌતિ(લોમહર્ષણનો પુત્ર ઉગ્રશ્રવા)એ મોટું કર્યુ હતું. કોઈ મહાભારતનો આરંભ પહેલેથી, કોઈ આસ્તિકપર્વથી તો કોઈ ઉપરિચર રાજાના આખ્યાનથી કરે છે. ભવિષ્યમાં પણ મહાભારતમાં ઘણો ભાગ ઉમેરાતો જશે એમ ધારી તેને અટકાવવા અનુક્રમણિકાધ્યાય, પર્વસંગ્રહાધ્યાય લખાયા.•

You might also like