ખંડણીખોરોના વિરોધમાં કાલુપુર ફ્રૂટ માર્કેટના વેપારીઓએ બંધ પાળ્યો

અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં ખંડણી ઉઘરાવી આતંક ફેલાવનાર લુખ્ખાં તત્ત્વોના ત્રાસના વિરોધમાં આજે ૧પ૦ કરતાં વધુ ફ્રૂટના વેપારીઓએ બંધ પાળ્યો હતો. દાણીલીમડાની ગાયત્રી સોસાયટીમાં રહેતા ફૈઝાનભાઇ મેમણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કાલુપુર ફૂટ માર્કેટમાં આવેલી તેમની દુકાનમાં શુક્રવારે રાત્રે ર-૩૦ વાગ્યાની આસપાસ તરબૂચ ભરીને આવેલી ટ્રકને ખાલી કરાવવા ઊભા હતા તે સમયે અબ્દુલ સમદ ઉર્ફે જુમ્મા અબ્દુલ લતીફ શેખ (રહે. રમઝાની ધોબીની ચાલી, દરિયાપુર) તેના બે સાગરીતો સાથે આવ્યો હતો અને ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેમ કહી રૂ.પાંચ હજારની ખંડણી માગી હતી.

વેપારીએ રૂપિયા આપવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ફૈઝાન પર ચપ્પાથી હુમલો શરૂ કરી દીધો હતો ત્યારે ફૈઝાનનો ભાઇ આદીલ તથા ડ્રાઇવર ઉસ્માન વચ્ચે પડતાં તેમને પણ ચપ્પાના ઘા ઝીંક્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને અબ્દુલ સમદને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. કાલુપુર વિસ્તારમાં ૧પ૦ કરતાં પણ વધુ ફ્રૂટના વેપારીઓ હોલસેલ તથા રિટેલનો ધંધો કરે છે જ્યારે ૧૦૦ કરતાં વધુ ફ્રૂટની લારીઓ આવેલી છે. ફ્રૂટના વેપારી ખાલીદ મેમણે જણાવ્યું છે કે મોડી રાત્રે ફ્રૂટ ભરેલી ગાડીઓ આવે છે ત્યારે સમદ તથા તેના સાગરીતો ખંડણી ઉઘરાવવા માટે આવી જાય છે અને રૂપિયા આપવાની ના પાડીએ તો ડ્રાઇવર સાથે મારપીટ કરીને ફ્રૂટની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે. છેલ્લા એક મહિનામાં ચોથી વખત સમદે હુમલો કર્યો છે, જેથી આજે તેના વિરોધમાં અમે ફ્રૂટ બજાર બંધ રાખ્યું છે. આવનારા દિવસોમાં આવાં તત્ત્વોનો આતંક યથાવત્ રહેશે તો અમે ઉગ્ર દેખાવો પણ કરીશું.

http://sambhaavnews.com/

You might also like