પ્લાસ્ટિકનાં રમકડાંથી બાળકોને દૂર રાખો

એક સમય હતો જ્યારે બાળકો કપડાંમાંથી બનાવેલાં ઢીંગલા-ઢીંગલી, લાકડાનાં બળદગાડાં અથવા તો માટીનાં ઘર બનાવીને રમતાં હતાં. કુદરતી વાતાવરણમાં તેઓ મોટાં થતાં હતાં પણ સમયના બદલાતા ચક્રમાં રમતોનાં માધ્યમ પણ બદલાવા લાગ્યાં છે. બાળક તોફાન કરે અથવા તો રડવા લાગે ત્યારે તેના હાથમાં ચોકલેટ અથવા તો રમકડું આપી દેવામાં આવે છે અને એ શાંત થઈ જાય છે.

આ રમકડું આપતી વખતે એ ધ્યાન રાખજો કે એ પ્લાસ્ટિકનું નથીને! નિષ્ણાતો એવું કહે છે કે પ્લાસ્ટિકનાં રમકડાંની બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે અને ઈન્ફલ્યુએન્ઝા જેવા વિષાણુનો ભોગ બને છે. આ ચેપ લાંબાગાળા સુધી રહે છે. બાળકો જ્યારે એકબીજાને રમકડાં શૅર કરે છે ત્યારે ખાસ સાવધ થવાની જરૃર છે.

જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક લેખક ડૉ. રિચાર્ડ બીર્ડને કહ્યું હતું કે, “લોકો ક્યારેય એ બાબતે વિચારતા નથી કે નિર્જીવ વસ્તુઓમાંથી પણ વાઈરસ ફેલાય છે. તે એવું જ માને છે કે ચેપ માત્ર સજીવથી જ ફેલાય છે. બાળકો માટે આ બાબત ખાસ છે, કારણ કે તેઓ રમકડાંને હાથમાં રાખે છે, શરીર સાથે ઝકડી રાખે છે અને મોઢામાં પણ નાખે છે.

આ સમયે તેની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે વિકસિત થયેલી હોતી નથી. જેથી બાળકો જલદી આ ખતરનાક વિષાણુનો ભોગ બને છે. આ પ્રકારની નિર્જીવ વસ્તુઓમાં ઈન્ફલૂએન્ઝા અને કોરોના જેવા વાઈરસ હોય છે.”

You might also like