કેદારનાથમાં ૮૦૦૦ વર્ષ પહેલાં ભીષણ ગરમી પડી હતીઃ સંશોધન

દહેરાદુન: તમને કદાચ આ વાત સાંભળીને નવાઈ લાગશે કે ૩,૫૫૩ મીટરની ઉંચાઈ પર આવેલા કેદારનાથ ધામમાં આઠ હજાર વર્ષ પહેલાં ભીષણ ગરમી પડી હતી અને તે સમયે એકાએક તાપમાન વધી જતાં કેદારનાથ ધામના ગ્લેશિયર પણ પીગળી ગયાં હતાં. તેમ વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં ‍આવેલાં સંશોધનમાં આવી વિગતો બહાર આવી છે.

વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વરિષ્ઠ વિજ્ઞાની ડો. પ્રદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે ૪૦૦૦ વર્ષ પહેલા આ ક્ષેત્રમાં કેટલીક વનસ્પતિ ઊગી નીકળી હતી. અને આ અગાઉ કેટલાંક વર્ષો પહેલા ડાંગર તેમજ સૂરજમુખીની પણ ખેતી થતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે પરિસ્થિતિ એ છે કે કેદારનાથના કોલ્ડ ડેઝર્ટમા દૂર દૂર સુધી ક્યાંય વનસ્પતિ જોવા મળતી નથી.જે જગ્યાએ વનસ્પતિ ઊગતી હતી તે જગ્યાએ કેદારનાથ મંદિરના ઉત્તર ભાગમાં લગભગ એકમીટર ઊંચું જૈવિક મુદ્રા જેવું ટીલું જોવા મળ્યું હતું.

તેમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓના પરાગ કણોના અંશો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલેન્ડમાં તેની કાર્બન-૧૪ ડેટિંગ કરાવતા જાણવા મળ્યુ હતુ કે આ જૈવિક મુદ્રા અને તેમાં વનસ્પતિ ઊગવાની મુદત લગભગ ૪૦૦૦ વર્ષ જૂની છે. તેને સાબિત કરવા માટે માટીમાં માઈક્રો ન્યુટ્રિએન્ટસ નાઈટ્રોજનની હાજરીની જાણકારી મેળવવા તેના આઈસોટિપ્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

૧૫૦૦ વર્ષ સુધી કેદારનાથ ગરમ રહ્યું હતું
હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વિજ્ઞાનીઓ દ્વારા કરવામા ‍આવેલાં સંશોધનમાં એવો દાવો પણ કરાયો છે કે કેદારનાથ ૧૫૦૦ વર્ષ સુધી ખૂબ ગરમ રહ્યું હતું. અને તેના કારણે આ વિસ્તારમાં તાપમાનમાં વધારો થયો હતો અને તેની અસર જોવા મળી હતી.અા અભ્યાસમાં એવો પણ દાવો થયો છે કે આ વિસ્તારમાંથી ૯૦૦ વર્ષ જૂનાં માટીનાં વાસણો મળી આવ્યાં છે.

એટલાન્ટિક સાગરની અસર પણ શક્ય
હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાના વિજ્ઞાનીઓનું માનવું છે કે આ વિસ્તારમાં એટલાન્ટિક સાગરના અલ નીનો પરથી (સમુદ્ર પરથી પસાર થતા ગરમ હવાના કારણે તાપમાનમાં વધારો ) તેની અસર વધુ જોવા મળી રહી છે. હિમાલયના ક્ષેત્ર પર ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી હતી.

You might also like