કેદારનાથમાં ફરી પ્રચંડ પૂર આવવાની શક્યતા

દહેરાદૂન: ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ગઠિત ટેકનિકલ સમિતિએ કેદારનાથમાં ચાલી રહેલા પુનઃનિર્માણના કામ સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. ર૦૧૩માં અહીં આવેલા પ્રચંડ પૂરે ભારે તબાહી મચાવી હતી અને હજારો લોકો જોત જોતામાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

આ અંગે વૈજ્ઞાનિકો અને વિવિધ એજન્સીઓના એટલે કે વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જિયોલોજી, જિયોલોજી સવે ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇડ્રોલોજીના સિવિલ એન્જિનિયરો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કેદારનાથમાં મંદાકિની અને સરસ્વતીના સંગમ પર જે નવો ઘાટ બનાવવામાં આવ્યો છે તેણે મંદાકિનીનાં પાણીનાં વહેણને રોકી દીધું છે. જેના કારણે પાણીના વહેણની ગતિ વધારે તેજ થઇ ગઇ છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ નદીનાં વહેણની તેજ ગતિના કારણે ફરી એક વાર ર૦૧૩ જેવું પ્રચંડ પૂર આવવાનું જોખમ સર્જાયું છે કે જેના કારણે મોટા પાયે જાનમાલને નુકસાન થઇ શકે છે. અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર વાડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ હિમાલય જિયોલોજીના ડો.વિક્રમ ગુપ્તાએ જણાવ્યું છે કે કેદારનાથમાં કોઇ પણ નદીના વહેણને બાંધકામ કરીને રોકવું જોઇએ નહીં. મંદાકિનીના કિનારે જે ઘાટ બનાવવામાં આવ્યો છે તેના કારણે પાણીનું વહેણ રોકાઇ ગયું છે.

સમિતિએ જાનમાલને સુર‌િક્ષત રાખવા માટે કેદારનાથ મંદિરની નજીકમાં બનેલા નુકસાનગ્રસ્ત બાંધકામને તોડીને તુરત હટાવી દેવા ભલામણ કરી છે. આ સાથે જ ત્યાં કોઇ પણ પ્રકારના બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂકવાની પણ ભલામણ કરી છે.

You might also like