ટીમ ઈંડિયાનો ‘મેચ વિનર’ કરી રહ્યો છે વાપસીની તૈયારી, કેપ્ટન કોહલીનો છે ખાસ

ટીમ ઈન્ડિયાના ઓલ-રાઉન્ડર કેદાર જાધવે શુક્રવારે જણાવ્યું હતું કે તે આગામી બેથી ત્રણ અઠવાડિયામાં રમવાની શરૂઆત કરશે. IPL દરમિયાન જાધવને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમતો જાધવને આ વર્ષે IPLની પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ઈજા થઈ હતી. તે પછી તે સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર થયો હતો.

જાધવે અન્ય મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે “રિહેબીલિટેશન સારું રહ્યું. આગામી બેથી ત્રણ અઠવાડિયામાં, હું સંપૂર્ણપણે ફિટ થઈ જઈશ અને રમવાનું શરૂ કરીશ. મને બેટિંગ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેમ છતાં, વરસાદને કારણે હું બેટિંગ પ્રેક્ટિસ કરી શકતો નથી. હું બે અઠવાડિયામાં રમવાનું શરૂ કરીશ. હું અપેક્ષા રાખું છું કે જલ્દી રિકવર થઈ જઉં. ‘

33 વર્ષીય મરાઠી બેટ્સમેનને ત્રીજી વાર એ જ જગ્યાએ ઈજા થઈ હતી, જેના કારણે આ ઈજા ખુબ ગંભીર બની ગઈ હતી. તેણે જણાવ્યું, ‘ત્રીજી વાર તે જ જગ્યાએ મને ઇજા થઇ. ડિસેમ્બરમાં ધર્મશાલા ખાતે શ્રિલંકા સામે મને પહેલી વાર ઈજા થઈ હતી પછી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં અને પછી IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો. જો એક જગ્યાએ વારંવાર ઇજા થાય, તો નિયમિત ઉકેલ શોધવો પડે છે. ભારતમાં ફિઝિયો અને ડોકટરોએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે સર્જરીથી મને લાંબા સમય સુધી રમવાની તક મળશે.

રાઈટ હેન્ડ બેટ્સમેન હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ન જવાથી નિરાશ છે. ટીમ ઇન્ડિયા માટે 40 વન-ડે રમનાર જાધવનું કહેવું છે કે, “આ ત્રણ મહિનાનો સમય મારા માટે અઘરો હતો. પરંતુ હું માવજતનું મહત્વ સમજી ગયો છે. ઇજાઓ રમતનો એક ભાગ છે અને જ્યારે તમને ઈજા થાય ત્યારે અમે કંઈ પણ કરી શકતા નથી. મને મારું શરીર જ્ઞાન મળ્યું. ‘

જાધવે એમ પણ કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં કેપ્ટન વિરાટ કોહલી પાસેથી તેમને ખૂબ જ મદદ મળી હતી. જાધવ કહે છે, ‘માત્ર મુશ્કેલ સમયમાં નહીં, પરંતુ જ્યારથી હું ટીમ સાથે સંકળાયેલો ત્યારથી મને વિરાટનો ટેકો મળ્યો છે. મને યાદ છે કે જ્યારે મારી ટીમ ઈન્ડિયા માટે પ્રથમ વખત પસંદગી કરવામાં આવી હતી ત્યારે કોહલીએ મને એક ફોન ભેટમાં આપ્યો હતો. એક લીડર હોવા સાથે, વિરાટ હંમેશા યુવાનોને પ્રોત્સાહન આપતો રહે છે. તે ખૂબ પ્રિય અને ચિંતા કરનારો વ્યક્તિ છે. ‘

You might also like