કે.ડી. પટેલ આસારામના કાળાં કામોનો વહીવટદાર

અમદાવાદ: વર્ષ ૨૦૦૯માં આસારામના પૂર્વ સાધક રાજુ ચાંડક ઉપર થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા કે.ડી.પટેલ આસારામનો વહીવટદાર હોવાનું સામે આવ્યુું છે. રાજુ ચાંડક ઉપર ફાયરિંગ માટે કે.ડી.પટેલે એક લાખ રૂપિયાની સોપારી કાર્તિકને આપી હતી આ સિવાય સુરતમાં થયેલા આસારામ અને નારાયણ સાંઇ ઉપર બળાત્કાર કેસમાં પણ પોલીસને કરોડો રૂપિયાની લાંચ આપવા ના મામલે કે.ડી.પટેલની સુરત પોલીસ ધરપકડ કરી ચુકી છે. કે.ડી.પટેલની આગોતરા જામીન અરજી રદ થાય તે માટે એસઓજીએ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી હતી જેમાં આસારામનો વહીવટ કે.ડી.પટેલ સંભાળતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૦૯માં રાજુ ચાંડક ઉપર કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ દ્વારા જોધપુર જેલમાં આસારામની પૂછપરછ કરવાની તૈયારી કરી લીધી છે. આસારામની કોઇપણ સમયે પૂછપરછ કરવામાં આવી શકે છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આસારામના ઇશારે ડી.કે.પટેલે કાર્તિક અને સંજુને રાજુ ચાંડકને મારવાની સોપારી આપી હતી જેના કારણે થોડાક જ દિવસોમાં આસારામને આ કેસમાં આરોપી બનાવાય તેવી શક્યાતાઓ છે.

દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં સાક્ષી અને આસારામના પૂર્વ સાધક રાજુ ચાંડક ઉપર વર્ષ ૨૦૦૯માં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત મહિને આસારામનો શાર્પ શૂટર કાર્તિકની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેણે રાજુ ચાંડક ઉપર ફાયરિંગ કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ કેસની તપાસ એસઓજીને સોંપાઇ હતી જેમાં ક્રાઇમે કાર્તિકની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં આશ્રમના સંચાલક અને સાધક કે.ડી.પટેલ કાર્તિકને એક લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું ખૂલ્યું હતું.

ધરપકડથી બચવા માટે સાધક કે.ડી.પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે એસઓજીને નોટિસ ઇસ્યુ કરી હતી. એસઓજીની ટીમે કોર્ટમાં કે.ડી.પટેલને આગોતરા જામીન ના મળવા જોઇએ તે માટે એફિડેવિટ ફાઇલ કરી હતી. જેમાં આસારામનો વહીવટદાર કે.ડી.પટેલ હોવાનો ખુલાસો કર્યો છે. ખોટાં કામો માટે રૂપિયાના વહીવટ કે.ડી.પટેલ કરતો હોવાનો ખુલાસો કર્યો છે.

આ સિવાય સુરતમાં આસારામ અને નારાયણ સાંઇ ઉપર થયેલા બળાત્કારના કેસમાં પોલીસોને કરોડો રૂપિયાની લાંચ આપવાના મામલે કે.ડી.પટેલની ધરપકડ થઇ ચુકી છે તેવો પણ એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા સુરતમાં લાંચ કાંડના મુદ્દે કોર્ટમાં સુનવણી હતી. જેમાં નારાયણ સાંઇ કોર્ટમાં હાજર રહ્યા હતા. કે.ડી.પટેલ પણ આ કેસમાં આરોપી હોવાથી તે કોર્ટમાં હાજર રહેવાનો હતો. એસઓજીને બાતમી મળી કે કે.ડી.પટેલ કોર્ટની મુદતમાં હાજર થવાનો છે માટે પોલીસ પક્ષકાર બનીને સુરતની કોર્ટમાં પહોચી ગઇ હતી. જોકે ધરપકડ થવાની બીકથી કે.ડી.પટેલ કોર્ટમાં હાજર રહ્યો નહીં.

You might also like