કાવેરી જળવિવાદઃ નદીઓનાં પાણીને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરો

કાવેરી નદીનાં પાણીની વહેંચણીના મુદ્દે કર્ણાટક અને તામિલનાડુના લોકો સામસામે આવી ગયા છે અને હિંસા દ્વારા અદાલતના નિર્ણયને પ્રભાવિત કરવા અથવા તેના અમલને અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે.આ બંને રાજ્યોમાં અલગઅલગ સમયે અલગઅલગ પક્ષોની સરકાર સત્તા પર રહી છે અને રાજ્યના શાસક તેમજ વિપક્ષે પાણીની વહેંચણીના પ્રશ્ને રાજ્યના લોકોની લાગણીને શાંત પાડવાને બદલે બહેકાવવાનું કામ કર્યું છે.

પાણીની વહેંચણીનો આ વિવાદ નવો નથી. લગભગ એક સદી જૂના આ વિવાદને ઉકેલવાના ગંભીર પ્રયાસ તો છેલ્લા અઢી-ત્રણ દાયકા દરમિયાન જ થયા છે. કાવેરી નદીનું ઉદ્ગમસ્થાન કર્ણાટકમાં આવતું હોવાથી કર્ણાટક તેનાં પાણી પર પોતાનો હક જમાવે છે. પણ કાવેરી તો ત્યાંથી તામિલનાડુ અને પુડુચેરી થઈને કેરળ સુધી પહોંચે છે અને સમુદ્રને મળે છે. હવે કાવેરીનાં જળની વહેંચણીમાં કેરળ અને પુડુચેરી પણ પક્ષકાર બન્યા છે. જ્યારે પણ તામિલનાડુને વધુ પાણી આપવાની વાત આવે છે ત્યારે કર્ણાટકને એ ગમતું નથી. સંબંધિત રાજ્યના અગ્રણીઓ સાથે બેસીને સમજદારીથી કામ લે તો આવા વિવાદનું નિરાકરણ અશક્ય નથી હોતું. રાજનેતાઓની નાસમજી અને પાણીને પણ મતબેંક અને રાજકારણનો મુદ્દો બનાવી દેવાને કારણે મામલો ગૂંચવાયેલો રહે છે.

બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળતી આઠસો કિલોમીટર લાંબી આ નદીનાં પાણીની ક્ષમતા તે જ્યાંથી પસાર થાય છે એ તમામ રાજ્યના લોકોની પ્યાસને બુઝાવવાની છે. પણ એક રાજ્ય તેના પાણી પર ઈજારાશાહી ભોગવવાની વાત કરે ત્યારે ઝઘડો અને વિવાદ સર્જાય છે. અગાઉ દેશી રાજ્યોના સમયમાં અને ત્યારબાદ બ્રિટિશ શાસન દરમિયાન અનુક્રમે ૧૮૯૨ અને ૧૯૨૪માં તે વખતનાં મદ્રાસ અને મૈસૂર રાજ્યો વચ્ચે સમજૂતીઓ થઈ હતી. કર્ણાટક હંમેશ એવી રૅકર્ડ વગાડતું રહ્યું છે કે એ સમજૂતી તેના હિતમાં નથી. બીજા શબ્દોમાં કહેવું હોય તો કર્ણાટકને કાવેરીનું પાણી અન્ય રાજ્યોને આપવાનું ગમતું નથી. નદી પર મોટા બંધ બાંધીને પાણીને અન્ય રાજ્યમાં જતું અટકાવવામાં આવે ત્યારે સમસ્યા સર્જાય છે.

વિવાદના ઉકેલ માટે છવીસ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે ટ્રિબ્યુનલની રચના કરી હતી. ૨૦૦૭ના વર્ષમાં ટ્રિબ્યુનલે ફેંસલો આપ્યો ત્યારે તેને માનવાના ઇનકારને કારણે મામલો અદાલતમાં ગયો. હવે સર્વોચ્ચ અદાલત મામલાના નિરાકરણ માટે આખરી નિર્ણય કરવાના આરે આવી છે ત્યારે પણ તેના નિર્ણયને માનવાના ઇનકારમાં જ વર્તમાન હિંસાનાં મૂળ રહેલાં છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ ૨૦ સપ્ટેમ્બર સુધી તામિલનાડુ માટે પંદર હજાર ક્યુસેક પાણી છોડવા કર્ણાટકને કહ્યું હતું. એ આદેશમાં સુધારો કરીને અદાલતે પછીથી બાર હજાર ક્યુસેક પાણી છોડવા કહ્યું છે. ૨૦ સપ્ટેમ્બરે અદાલતમાં આ મામલે વધુ સુનાવણી થયા બાદ આખરી નિર્ણય આવશે.

આખરી નિર્ણય પહેલાં જ બંને રાજ્યોમાં હિંસા ફાટી નીકળી તેનો મતલબ શું સમજવો? કર્ણાટકમાં તમિલ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે તો તામિલનાડુમાં કન્નડ લોકોની મિલકતોને ટાર્ગેટ બનાવાય છે. તામિલનાડુ ૧૯૨૪ની સમજૂતીના અમલનો આગ્રહ રાખે છે. જ્યારે કર્ણાટક એ સમજૂતીને અન્યાયકર્તા માને છે ત્યારે વર્તમાન સ્થિતિને લક્ષમાં રાખીને સર્વોચ્ચ અદાલતના નિર્ણયને સ્વીકારવાની બંને રાજ્યોએ તૈયારી દર્શાવી લોકોને એ વિશે સમજ આપી શાંતિ સ્થાપિત કરવી જોઈએ. પંજાબ અને હરિયાણા વચ્ચે પણ આવો જ જળવિવાદ છે. ત્યાં પણ બંને રાજ્યના રાજકીય પક્ષો જ પાણીના મુદ્દે રાજકારણ રમે છે અને વિવાદનો શાંતિમય ઉકેલ થવા દેતા નથી. રાજ્યો વચ્ચે પાણીના આવા કાયમી ઝઘડાના કાયમી ઉકેલ રૂપે નદીઓનાં પાણીને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવાની દિશામાં વિચારણા કરવાનો સમય પાકી ગયો છે.

You might also like